ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે ૧ કરોડ ૪૩ લાખના ખર્ચે બનેલ ત્રણ રોડનું (જેમાં માંડવા મહાદેવ મંદિરથી પંચાયત સ્મશાનને જોડતો રસ્તો, જુના માંડવા સ્મશાનગૃહ રોડ, નવી વસાહતથી જુના માંડવા રોડનો સમાવેશ) લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ નાયબ મુખ્ય દંડક એ ભરૂચ અને અંકલેશ્વરનું અંતર ધટાડનાર નવા માર્ગ- માંડવા અને કાંસીયાને જોડતા અમરાવતી નદી પર બનતા બ્રીજના કામનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પારદર્શિતા સાથે પહોંચી રહયા છે. જરૂરીઆતમંદોને વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો આપીને સુદઢ જીવન વ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા પુરી પાડી છે. રાજય સરકાર ધ્વારા શ્રેણીબધ્ધ વિકાસકામો થઇ રહયા છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ લોકોના સતત સંપર્કમાં રહીને તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીને વધુમાં વધુ વિકાસકામો સમયબધ્ધ રીતે પૂર્ણ કરી રહયા છે. તેમણે આયુષ્યમાન ભારત કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ સહાય, શ્રમિકોને ઇ-શ્રમિક કાર્ડ જેવી વિવિધ યોજનાઓના લાભો જરૂરીઆતમંદોને આપવામાં આવે છે ત્યારે વિવિધ યોજનાઓના મહત્તમ લાભો લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રી, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચઓ, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, ગામ આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે બનેલ ત્રણ રોડનું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ.
Advertisement