ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ કર્મીઓ દ્વારા પોતાના ટુ વ્હિલરો પર તારના સેફટી બેરિયર લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણનો તહેવાર આવતા ઉત્તરાયણના તહેવારથી આગળ લગભગ પંદરેક દિવસ અગાઉથી ઠેરઠેર ઉત્તરાયણનો માહોલ છવાતો હોય છે. જેમ-જેમ ઉત્તરાયણનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી દેખાય છે. ઉત્તરાયણનો તહેવાર એટલે પતંગોના પેચ દ્વારા લડાતુ આકાશી યુધ્ધ ! ઉંચે ઉડતી બે પતંગો વચ્ચે દોરાઓનો પેચ લડાવાતા મજબુત દોરાની જીત થાય છે અને અન્ય દોરો તુટી જતા કપાયેલી પતંગ ધીમેધીમે જમીન પર આવે છે. કપાયેલી પતંગ સાથે રહેલો દોરો ઘણીવાર માર્ગ પર જતા આવતા ટુ વ્હિલર ચાલકોના ગળા સાથે ઘસાતા આવા ઘણા વાહન ચાલકોને ગંભીર ઇજાઓ થતી હોય છે. તેથી મોટરસાયકલ પર આગળની બાજુએ તારનો સેફટી બેરિયર લગાવાતો હોય છે. આને લઇને કપાયેલી પતંગનો દોરો આગળ રાખેલ આ તાર સાથે અથડાતો હોઇ વાહન ચાલકના મોંઢા તથા ગળા સાથે ઘર્ષણમાં નથી આવતો તેથી સલામતીના રુપે તારનો સેફટી બેરિયર લગાવાય છે. આજરોજ ઝઘડીયા પોલીસ મથકના સ્ટાફે પોતાના વાહનની આગળ આવો સેફ્ટી તાર લગાવતા અન્ય વાહન ચાલકો માટે પણ આ બાબત પ્રેરણાદાયી બની હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ