દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે તેઓના કાફલાને ૨૦ મિનિટ સુધી રોકવાના કારણે ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. નરેન્દ્ર મોદીના કાફલાને અટકવું પડ્યું જે માટે ભાજપ કોંગ્રેસ પક્ષ પર આક્ષેપો કરી રહ્યું છે. જેના વિરોધના ભાગરૂપે કરજણ નગર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે ભાજપ કાર્યકરોએ ધરણા યોજી વિરોધ વ્યક્ત કરી સમગ્ર મામલે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.
ભાજપ કાર્યકરોએ હાથમાં પ્લેબોર્ડ દર્શાવી વિરોધ વ્યકત કર્યો હતો. પ્લેકાર્ડમાં કોંગ્રેસ મુર્દાબાદ, ભગવાન સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને સદબુદ્ધિ અર્પે, પંજાબ સરકાર હાય હાય જેવા સૂત્રો દર્શાવી વિરોધ વ્યકત કર્યો હતો. ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેની લોકમુખે ચર્ચાઓ પણ થઇ રહી હતી. ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં કરજણ – શિનોર – પોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત કરજણ નગર તેમજ તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કોંગી કાર્યકર કમ એડવોકેટ નિરૂબેને મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શનમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો તેમજ હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી હોય કાયદાના રક્ષકો દ્વારા ભાજપના કાર્યકરો સામે કોરોના ગાઇડલાઈનના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
યાકુબ પટેલ, કરજણ