કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાં કોરાનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને જિલ્લાના પ્રભારી સચિવ પી.ભારથી સબળ નેતૃત્વ અને અસરકારક માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ ધ્વારા આ બાબતે સઘન મોનટરીંગ સાથે નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ બન્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સાથે અને ઓક્સિજન વિનાના બેડની ઉપલબ્ધ સુવિધા, PSA ઓક્સિજન પ્લાન્ટસ્, જમ્બો ઓક્સિજન સિલીન્ડર્સની પર્યાપ્ત સુવિધા, વેન્ટીલેટર મશીન, RTPCR લેબોરેટરી, સંજીવની રથ અને ધનવંતરી રથના માધ્યમથી કોરોનાના દરર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે દિશામાં જિલ્લા પ્રશાસન પ્રતિબધ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં હાલમાં ઓક્સિજન સુવિધા સાથે ૩૯૩ અને ઓક્સિજન સુવિધા વિનાના ૯૭ સહિત કુલ-૪૯૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં ૨૦૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે તે પૈકી ઓક્સિજન સુવિધા સાથે-૧૬૩ અને ICU વેન્ટીલેટર વાળા ૧૫ બેડની સુવિધા, દેડીયાપાડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે-૫૦, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે-૫૦, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૩૫ અને સાગબારા ખાતે-૪૦ બેડની સુવિધા ઓક્સીજન સાથે ઉપલબ્ધ છે. જ્યારે ઓક્સિજન વિના રાજપીપલા કોવિડ હોસ્પીટલ ખાતે ૨૭ અને સાગબારા CHC ખાતે ૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. તદઉપરાંત રાજપીપલામાં કોવિડ કેર સેન્ટર ખાતે ૯૦૨ બેડની સુવિધા પણ ઉપલબ્ધ છે.
તેવી જ રીતે, રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે ૧ હજાર લીટરની ક્ષમતાવાળી ૨ (બે), અને ૨૦૦ લીટરની ક્ષમતાવાળી ૦૨ (બે) તથા દેડીયાપાડા ખાતે ૨ (બે), ગરૂડેશ્વર ખાતે ૨ (બે), તિલકવાડા ખાતે ૨ (બે) અને સાગબારામાં પણ ૨૦૦ લીટરની (બે) લિકવીડ ઓક્સિજન ટેન્કની સુવિધા ઉપલબ્ધ છે. તદ્દઉપરાંત જિલ્લામાં ૮૨૨ જેટલાં જમ્બો ઓક્સિજન સિલીન્ડરની સુવિધા ઉપલબ્ધ છે, તે પૈકી રાજપીપલા સીવીલ હોસ્પિલ ખાતે-૬૨૨, દેડીયાપાડા ખાતે-૬૦, ગરૂડેશ્વર ખાતે-૬૦, તિલકવાડા ખાતે-૪૦ અને સાગબારા ખાતે-૪૦ સિલીન્ડરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે જિલ્લામાં ૧૩૭ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે-૩૭, દેડીયાપાડામાં-૩૪, ગરૂડેશ્વરમાં-૨૮ તિલકવાડામાં-૧૧ અને સાગબારામાં-૦૪ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધાનો સમાવેશ થાય છે.
તદપરાંત, કોવિડ હોસ્પિટલ ખાતે હાલમાં ૯૦ વેન્ટીલેટર મશીનની સુવિધા ઉપલબ્ધ છે જયારે રાજપીપલા કોવિડ હોસ્પિટલ તથા દેડીયાપાડા અને ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ૩ RTPCR લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા કોરોના પ્રતિરોધક રસી તેનો રામબાણ ઇલાજ છે. ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે ખૂબ જ જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રિમ હરોળના કોરોના વોરીયર્સ અને ૪૫+૬૦ વર્ષની વય ધરાવતા વયસ્ક અને કોમોર્બિડ લાભાર્થી નાગરિકોનું રસીકરણ તા.૧૦ મી જાન્યુઆરીથી ઝૂંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.
ધનશેરા,પરોડી અને સરીબાર ખાતેની બોર્ડર ચેકપોસ્ટ ખાતેથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેસતી તમામ વ્યક્તિઓનું સ્ક્રિનિંગ અને કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અને આવી જ જરૂરી ચકાસણી બાદ જ પ્રવેશ અપાય છે . તદઉપરાત, હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સની કામગીરી પણ ઝૂંબેશરૂપે ચાલી રહી છે, જેમાં શરદી, ઉદરસ અને તાવના લક્ષણ ધરાવતા દર્દીઓનું કોરોના ટેસ્ટીંગ સ્થર પર જ કરીને જરૂરિયાતવાળા દર્દીઓને દવાઓની કિટસનું વિતરણ કરાઇ રહ્યું છે તેમજ કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને પ્રોફાયલેકટીક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. RTPCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટની હાલની દૈનિક આશરે ૧૦૦૦ ની સંખ્યામાં પણ વધારો કરીને અંદાજે ૧૫૦૦ જેટલા ટેસ્ટીંગ સેમ્પલ એકત્ર કરવાનું આયોજન હાથ ધર્યું છે. ૧૪ ધન્વંતરી રથ અને ૧ સંજીવની રથની સેવાઓ કાર્યરત કરવાની સાથોસાથ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેની લોકજાગૃત્તિ પણ કેળવવામાં આવી રહી છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે, કોરોનાની પ્રથમ લહેરની શરૂઆતના તબક્કે માત્ર ૧ સરકારી કોવિડ હોસ્પિટલ, ૧૫૦ બેડ ક્ષમતાની કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન સુવિધા સાથેના-૦૮ બેડ અને ઓક્સિજન સુવિધા વિનાના-૨૭૨ બેડ, PSA ઓક્સિજન પ્લાન્ટ-૦૦ અને લિક્વીડ ઓક્સિજન ટેન્ક-૦૦, જમ્બો ઓક્સિજન સિલીન્ડર-૭૮, ઓક્સિજન કોન્સન્ટ્રેટર-૧૯, વેન્ટીલેટર મશીન-૧૫, RTPCR લેબોરેટરી-૦૦, ધનવંતરી-સંજીવની રથ-૧૪ અને ૧૦૮ ની એમ્બ્યુલન્સ સેવા-૧૧ કાર્યરત હતાં. ત્યારબાદના સમયગાળા અને કોરોનાની બીજી લહેરના સમયગાળા દરમિયાન જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન-આરોગ્યતંત્ર દ્વારા દાતાઓ તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા CSR એક્ટીવીટી અંતર્ગત PSA ઓક્સિજન પ્લાન્ટસ ઉપરાંત ઓક્સિજન કોન્સન્ટ્રેટર વગેરે જેવી સુવિધા ઉપલબ્ધિ માટેના અથાક પ્રયાસોના ફળ સ્વરૂપે નર્મદા જિલ્લામાં નોંધપાત્ર આરોગ્ય વિષયક ઉક્ત સવલત-સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.
દીપક જગતાપ, રાજપીપલા