– છેલ્લા પંદર દિવસથી દરિયાકાંઠા વિસ્તારના લોકો પાડાના ત્રાસને કારણે ભયના ઓથાર હેઠળ કરતા હતા જીવનનિર્વાહ
– તળિયા ભાઠા વિસ્તારમાં ૧૦ થી વધુ વ્યક્તિઓ પર હિચકારો હુમલો કરનાર પાડો આજે રેસ્ક્યુ કરી પકડાયો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ઘણા લાંબા સમયથી પાડા એ તળિયા ભાઠા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. આ હિંસક પાડાને કારણે ગ્રામજનો સતત ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરતા હતા. આજે વનવિભાગની સરાહનીય કામગીરીને કારણે આતંક મચાવનાર પાડો પકડાઈ જતા તળિયા ભાથા આ વિસ્તારના ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી એક પાડાએ આતંક મચાવ્યો હતો. સમગ્ર ગ્રામજનો આ પાડાના ત્રાસને કારણે ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરતા હતા. આ પાડા અને ૧૦ થી વધુ લોકો પર હિચકારા હુમલા કર્યા હતા. પાડાના ભયને કારણે લોકો દિવસે પણ ઘરની બહાર નીકળતા નહોતા. આ વિસ્તારમાં સો જેટલા લોકો ગામની અંદર છૂટા-છવાયા રહે છે. આ પાડાના ત્રાસને કારણે સ્ત્રીઓ રાત્રી વસવાટ કરવા માટે ઝાડ પર દોરડા વડે ખાટલો બાંધીને બાળકો સાથે રહેતા હતા.
પાડાના ત્રાસને કારણે અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ ભેગા મળીને પાડાનું રેસ્ક્યુ કરતાં આ પાડો પકડાઈ ગયો હતો. આ વિસ્તારના રહેવાસી સજન વાઘેલા જણાવે છે કે છેલ્લા પંદર દિવસથી પાડાના આતંકને કારણે જીવવું મુશ્કેલ બની ગયું હતું. બાળકો માણસો અને ઢોરને નિશાન બનાવતો પાડો આજે પકડાઈ જતા ગ્રામજનોએ શાંતિનો અહેસાસ કર્યો હતો.