વડોદરા તાલુકાના વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતી શારદા સેવાશ્રમ મંદિર, વરણામા અને બળીયાદેવ હાઇસ્કુલ, પોરમાં અભ્યાસ કરતા ૧૫ થી ૧૮ વર્ષના અનુક્રમે ૪૪૧ અને ૨૪૦ એમ કુલ ૬૮૧ તરુણોને આજરોજ કોવિડની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોકભાઈ પટેલે રસીકરણનું નિરીક્ષણ કરીને તરુણોને પ્રોત્સાહિત કરવાની સાથે વાલીઓની જાગૃતિને બિરદાવી આરોગ્ય તથા શિક્ષણ વિભાગોને સફળ સંકલન માટે અભિનંદન આપ્યા હતા. આરોગ્ય ટીમના લીડર અને પ્રા.આ.કે. વરણામાનાં તબીબી અધિકારી ડો.વસિમે જણાવ્યું કે રસી મેળવવાને પાત્ર તરુણોની અગાઉથી યાદી મેળવી લઈને આયોજન કરવામાં આવ્યું. શાળા સ્ટાફે વાલીઓનો સંપર્ક કરીને રસી લેવાના લાભો સમજાવ્યા અને પ્રત્યેક તરુણ રસી લેવા આવે તે માટેના પ્રયત્નો કર્યા. આરોગ્ય સ્ટાફે પણ કોઈ ખોટો ડર રાખવાની જરૂર નથી, રસી સલામત છે તેવી સમજણ આપી તેથી ધારી સફળતા મળી છે. આરોગ્ય સ્ટાફ દ્વારા તથા શાળાના સહયોગથી બન્ને શાળાઓના તમામ રસીને પાત્ર તરુણો નું ૧૦૦% રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.