ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ઘણા ગામોમાં વિજેતા અને હારેલા ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ બહાર આવી રહી છે. આવી જ એક ઘટના ગતરોજ તાલુકાના દરિયા ગામે બનવા પામી છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દરિયા ગામે રહેતો નવીનભાઇ બાબુભાઇ વસાવા નામનો યુવાન ગતરોજ સવારના અગિયાર વાગ્યે તેના દાદાના બેસણામાં ગયો હતો. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં મિત્રો સાથે ઘરે પરત આવવા નીકળ્યો હતો. તે દરમિયાન સામી પેનલવાળા રમેશભાઇ પારસીંગભાઇ, નટવરભાઇ લક્ષ્મણભાઇ તેમજ દિનેશભાઇ મીઠાભાઇ તેને રસ્તામાં મળ્યા હતા, અને જણાવેલ કે તું સભ્ય તરીકે વોર્ડમાં ઉભો રહેલો અને કેવો હારી ગયો છે. આ સાંભળીને નવીને જણાવેલ કે ચુંટણીનો કાર્યક્રમ છે અને હારી ગયો છુ. આમ કહેતા નવીન પર લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો. ગાળો બોલીને માથામાં પાઇપ મારી દેતા નવીનને માથાના ભાગે ચામડી ફાટીને લોહી નીકળ્યુ હતું. ઉપરાંત આ હુમલા દરમિયાન તેને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો. નવીને બુમાબુમ કરતા ગામમાં રહેતા કેટલાક ઇસમો ત્યાં આવી જતા તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ લોકોએ તેને ગામમાં કેવોક રહે છે એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને ઝઘડીયા ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાયો હતો. ઘટના અંગે નવીનભાઇ બાબુભાઈ વસાવા રહે.ગામ દરિયા, તા.ઝઘડીયા, જિ.ભરૂચનાએ રમેશભાઈ પારસીંગભાઇ વસાવા, નટવરભાઇ લક્ષ્મણભાઇ વસાવા, દિનેશભાઇ મીઠાભાઇ વસાવા, સતિષભાઇ વસાવા અને સંકેતભાઇ વસાવા તમામ રહે.ગામ દરિયાના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ