સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી એ દર વર્ષે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી મેળો ભરાય છે. આ વર્ષે ૩જી જાન્યુઆરીથી શરૂ થનાર મેળાની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમા લઇ મોકૂફ રાખવામાં આવી હતી. મોટામિયાં માંગરોળની ગાદીના ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનું ઐતિહાસિક પ્રવેશદ્વાર ખાતે 12:30 આગમન તથા સાદગીપૂર્ણ અનોખી ઢબે સોશિયલ ડિસ્ટન્સ રાખી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમની હાજરીમાં બપોર બાદ સાદગીભરી રીતે સંદલ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સંદલ દરમિયાન આ પવિત્ર દિવસે આપણા દેશમાંથી તેમજ વિશ્વમાંથી પણ આ મહામારી દૂર થાઈ તે માટે ખાસ દુઆ પણ કરાઈ હતી. આ દિવસે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ, પીર મોઇનુદ્દીન ચિશ્તી, ડો.મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી તેમજ કુટુંબીજનો હાજર રહ્યા હતા.
પંદર દિવસ દરમિયાન મોટામિયાં માંગરોલ ખાતે સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ કોવિડના નિયમ અનુસરીને અનુયાયીઓને દર્શન તથા મુલાકાત માટે વિનંતિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ આધ્યાત્મિક પર્વ દરમિયાન સમાજઉપયોગી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે ઉર્સ-મેળાની ઉજવણીના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામને કાળજી રાખી ગાઇડલાઇનને અનુસરવા વિનંતિ પણ કરવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ