ભરૂચના સ્ટેશન રોડ પર જુના બસ ડેપો પાસે આજે પાલીકા ટીમ અને સ્થાનિક ફ્રુટના લારી ધારકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું, નગરપાલિકા ટીમના સભ્યો ફ્રુટ માર્કેટમાં પ્લાસ્ટિકની થેલી મામલે તપાસમાં ગયા હતા દરમિયાન અચાનક જ લારી ધારકો અને પાલિકાના કર્મીઓ વચ્ચે મામલો ગરમાયો હતો.
લારી ધારકો અને પાલીકા ટીમના કર્મીઓ વચ્ચે એક સમયે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું, લારી ધારકોનું જણાવવું હતું કે સવારના સમયે હજુ માલ ભરીને અમે લોકો આવ્યા છે ત્યાં તો પાલીકાના કર્મીઓ પ્લાસ્ટિકની થેલીઓ બાબતે તપાસમાં આવી પહોંચી દંડની કાર્યવાહીની વાત કરતા હતા જેથી તેઓએ ઉગ્ર બની મામલે રજુઆત કરવાની નોબત આવી હતી.
મહત્વની બાબત છે કે પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આજે પણ શહેરના મોટા ભાગના વેપારીઓ આ પ્લાસ્ટિકની થેલીઓમાં માલ સામાન ભરીને આપતા નજરે પડી રહ્યા છે ત્યારે તંત્રએ પણ નાની માછલીઓને નહિ પંરતુ પ્લાસ્ટીક થેલીઓના જથ્થાનું શહેરમાં વેચાણ કરતા મોટા વેપારીઓને પકડમાં લઈ દંડનીય કાર્યવાહી કરે તે બાબત હાલ આ ઘટના ક્રમ બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.