વડોદરા રેલવે સ્ટેશનનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેનું કેન્દ્રીય રેલવે અને કાપડા રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે કેન્દ્રીય રેલ્વે અને કપડા રાજ્યપ્રધાન દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને નવીનીકરણ કરાયેલ વડોદરા રેલ્વે સ્ટેશનના લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સીમાબેન મોહિલે, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડિયા, અને ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત પશ્ચિમ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલવે તંત્ર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનો રૂપિયા ૧૫ કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રેલ્વે સ્ટેશનનો અગ્ર ભાગ, ક્રિક્યુલેટિંગ એરીયા, એસ્કેલેટર, તેમજ રેમ્પ સહિતના ભાગોનું નવીનીકરણ કરાયું છે. તો આગામી સમયમાં વડોદરા રેલવે સ્ટેશનનું વધુ નવીનીકરણ કરવાની પણ કેન્દ્રીય રેલ્વે અને કપડા રાજ્યપ્રધાન દર્શના જરદોશે ખાત્રી આપી હતી.
કાપડના વેપારીઓ GST દર 5 ટકા થી વધારી 12 ટકા કરવામાં આવતા વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે અને કપડા રાજ્યપ્રધાન દર્શના જરદોશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, GST કાઉન્સિલમાં દરેક રાજ્યના નાણાંપ્રધાન હોય છે. ત્યારે આજે GST કાઉન્સિલની બેઠક છે. જેમાં દરેક રાજ્યોના નાણાંપ્રધાનની રજૂઆતને ધ્યાને લઈને બેઠકમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.