શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સુશાસન દિનની ઉજવણી નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે રોજગાર નિમણૂંકપત્રો, એપ્રેન્ટીસ એનાયત પત્ર અને ઇ-શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા ઉપસ્થિત રહયા હતા.
સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કાર્યક્રમમાં કુલ-૨૦ રોજગાર નિમણૂંકપત્રો, ૧૦ એપ્રેન્ટીસ કરારપત્ર, અને ૦૫ ઇ-શ્રમકાર્ડનું મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મકરૂપે સ્ટેજ પરથી વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું દિપ પ્રજવલન કર્યા બાદ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે યુવાનોએ પોતાની શકિતઓને જાગૃત કરી જે તે ક્ષેત્રમાં કૌશલ્યવાન બનવું પડશે. ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં રોજગારીની વિપુલ તકો રહેલી છે તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે કહયું કે ભારત દેશએ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે યુવાનોએ ભણી ગણીને પોતાની એક સ્કિલ ઉભી કરી જે તે દિશામાં આગળ વધવું પડશે. કૌશલ્ય નિર્માણની અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત હોવાનું જણાવી દુષ્યંત પટેલે યુવાનોએ વ્યવસ્થાઓનો વધુમાં વધુ લાભ મેળવી પગભર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે રોજગાર વિભાગની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી.
તેમણે છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે માટે વિવિધ સરકારી યોજનાઓ અમલમાં છે એમ કહી સૌને તેનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ અને નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની વિગતે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી જયેશભાઈ મકવાણા, આઈટીઆઈના પ્રિન્સીપાલ બી.ડી.રાવલ, રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી – કર્મચારીઓ, આગેવાન પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.