ભરૂચ જિલ્લાના ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગ ઉપર ભારદાર વાહનો દોડતા હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે, ખાસ કરી સુગર ફેકટરીઓ તરફ શેરડી ભરીને જતા વાહનો કેટલીકવાર પલ્ટી ખાવાના કારણે અકસ્માત પણ સર્જતાં હોય છે.
ટ્રક કે ટ્રેક્ટરમાં ખેતરમાંથી શેરડીના ક્રોપ કટીંગ બાદ તેને સુગર ફેકટરીઓ સુધી પહોંચાડવા માટે ગાડીની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં તેમાં શેરડી ભરી ટ્રાફિકના નિયમોને નેવે મુકવામાં આવતા હોય છે, તો બીજી તરફ નર્મદા નદી કિનારેથી રેતી ભરી આવતા ડમ્પરોમાં પણ ઓવરલોડ રેતીનું પ્રમાણ જણાતું હોય છે, ત્યારે આ અંતરિયાળ વિસ્તારમાં જાણેકે ટ્રાફિકમાં કોઈ નિયમો જ લાગુ ન પડતા હોય તેમ લાગી રહ્યું છે.
કેટલીક વાર આ પ્રકારના ઓવરલોડ વાહનો અકસ્માત સર્જતાં હોય છે ત્યારે વાલિયા,નેત્રંગ, અને ઝઘડીયા વિસ્તારમાં અનેક ચોકડીઓ પરથી બિન્દાસ અંદાજમાં પોલીસ કર્મીઓની સામેથી જતા આ પ્રકારના ભારદાર વાહનો કેમ પોલીસ પકડી નથી તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે, સાથે જ આ પ્રકારે રસ્તા વચ્ચે દોડતા વાહનો જાણે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગે આ વિસ્તરોમા નિયમોનું પાલન કરાવવા માટે કડક બનવું પડશે તે જ સમયની પણ માંગ છે.