રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૫ મી થી તા.૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી હાથ ધરાયેલી રાજ્યવ્પાપી “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે આજે ચોથા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,ઉપરાંત જિલ્લા કલેકટરશ ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. નિલેશ ભટ,નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે, તેમજ લાભાર્થી ખેડૂતોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત ૨૦૦૫ માં હાથ ધરાયેલી કૃષિ મહોત્સવની ઉજવણી થકી આજનો ખેડૂત હવે વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતિથી સક્ષમ બન્યો છે. આદિવાસી નર્મદા જિલ્લો પણ અગાઉની ચીલા-ચાલુ ખેત પધ્ધતિથી બહાર નિકળીને આધુનિક ખેતી કરતો થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમલી સાત પગલા ખેડૂત કલ્યાણનાં કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને કૃષિ વિકાસલક્ષી અનેકવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
નર્મદા સુગર ફેકટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે તેમના પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીનંલ સ્વપ્ન સત્તાના માધ્યમથી સુશાસન થકી છેવાડાના માનવી સુધી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચાડવાનું ભગીરથ કાર્ય થઇ રહ્યું છે, ત્યારે વ્યવસાયલક્ષી તાલીમ સાથે જુદા-જુદા લાભો થકી ખેડૂતોની આવકમાં વૃધ્ધિ સાથે લોકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સરકાર સહભાગીતાથી કટિબધ્ધ છે. ઘનશ્યામભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતુ કે, તત્કાલિન મુખ્યમંત્ત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે કરાયેલા આહવાન થકી કૃષિ ઉત્પાદનમાં દેશે ક્રાંતિ સર્જી છે અને દેશ આજે દરેક પ્રકારના કૃષિ ઉત્પાદનની નિકાસ કરવાની સાથે ખેડૂતો આત્મનિર્ભર બન્યાં છે. પટેલે ખેડૂતોને પોતાનું ખેતર ઓર્ગેનિક બનાવવાની હિમાયત કરતા ઉમેર્યું હતું કે, જિલ્લાની શાકભાજીની મંડળી બનાવી નર્મદાના નામે બ્રાન્ડિંગ સાથે તેનું માર્કેટીંગ થાય તેવા સહિયારા પ્રયાસો આવકારદાયક બની રહેશે.
આ પ્રસંગે મહાનુભાવાના હસ્તે કુલ ૫૩૯ ખેડૂત લાભાર્થીઓને કૃષિ વિકાસલક્ષી વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે રૂા. ૫૬.૯૫ લાખના લાભોનું વિતરણ, ૬૫૬ ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો તેમજ ૫૦૦ લાભાર્થીઓને અંદાજે રૂા. ૧૫ લાખના ખર્ચે નિ:શુલ્ક છત્રીનું વિતરણ તથા પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ-૭૯ લાભાર્થીઓને અંદાજે ૩૮.૨૮ લાખના લાભોનું વિતરણ કરાયું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા