દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે નર્મદા નદીના તટે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડી. બી. વસાવા, નાયબ કાર્યપાલક ઈજનેર એ. એસ. ઠકકર, અધિક મદદનીશ ઈજનેર પી. સી. પટેલ, મદદનીશ ઈજનેર હિતેશભાઈ વસાવા સહિત શાળાના વિદ્યાર્થીઓઓની ઉપસ્થિતિમાં “નદી ઉત્સવ ઉજવણી” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતની દરેક નદીઓનો એક ગૌરવવંતો ઇતિહાસ છે. નર્મદા નદીએ ગુજરાતની જીવાદોરી સમાન છે ત્યારે તેના દર્શન માત્રથી ધન્યતાની લાગણી અનુવાય છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત અને અમદાવાદના તટે રહેલી ગંદકી અને કચરાને કાયમી દુર કરવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં પટેલે ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ થકી લોકોમાં શ્રમ પ્રત્યે લગાવ વધશે તેની સાથોસાથ શ્રમને પોતાના જીવન સાથે વણીને સમાજનો શ્રેષ્ઠ નાગરિક બનવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવીને નર્મદા જિલ્લાને ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર નદીઓની સ્વચ્છતા જાળવીને સમગ્ર વિશ્વમાં સ્વચ્છતાનો સંદેશો ગુંજતો કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગરૂડેશ્વરના મહાદેવ મંદિર ઘાટના આસપાસના વિસ્તારો, ગ્રામ પંચાયતની કચેરીની આસપાસના વિસ્તારો અને ગરૂડેશ્વર મેઇન બજારના વિસ્તારોમાં શ્રમ-દાન (સાફ-સફાઇ) કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ અને રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, નવદુર્ગા હાઈસ્કૂલ, સૂરજબા મહીડા કન્યા વિનય મંદિર અને ઓરી ગામની સરસ્વતી વિદ્યા વિહાર શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત ૨૦૦ થી વધુ લોકોએ શ્રમ-દામ (સાફ –સફાઈ) કરીને સ્વચ્છતા અંગેનો સંદેશો પુરો પાડ્યો હતો.
આ વેળાએ જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુ કોઈ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામુહિક સંકલ્પ લીધા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા