રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૫ મી થી તા.૩૧ મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી હાથ ધરાયેલી રાજ્યવ્પાપી “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, નાંદોદ તાલુકા પંચાયતની કારોબારી સમિતીના અધ્યક્ષ અશ્વિનીબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, તેમજ આરોગ્ય અને પોષણ વિષયક લાભાર્થીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલના કેમ્પસ ખાતે યોજાયેલા NCD કેમ્પ, આયુષ્યમાન કાર્ડ,અને સગર્ભા માતાને પોષણ કિટ્સ વિતરણ તેમજ કોવિડ વેક્સિનેશન કેમ્પને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જન્મ લેનાર પ્રત્યેક બાળક સુપોષિત અને તંદૂરસ્ત જન્મે તે દિશામાં સરકાર સતત ચિંતિત છે અને તે માટેની આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેનો લોકો મહત્તમ લાભ લે તે માટે સરકાર કટિબધ્ધ છે. વસાવાએ આરોગ્ય વિષયક લોકજાગૃતિ, માહિલા સશક્તિકરણ ક્ષેત્રે નર્મદા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. તેમ જણાવી આયુષ્યમાન કાર્ડ થકી વિવિધ ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે મળતી મદદ લોકો માટે ખૂબજ ઉપયોગી બની હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ વધુમાં ઉમેર્યુ હતું કે, દેશની નદીઓને જોડવાનું કામ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ કર્યુ છે. નદીની સ્વચ્છતા માટેના અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને જોડીને નદીઓની સ્વચ્છતાનું સ્વપ્ન પૂર્ણ કરશે.
આ પ્રસંગે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટ્સનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પોષણ વિશે વિડીયો સ્ક્રોલનું નિદર્શન પણ કરાયું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા