ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરથી પસાર થતા ધોરીમાર્ગ પર રાજપારડી નજીક માધુમતિ નદી પરનો પુલ લાંબા સમયથી બિસ્માર બની ગયો છે. પુલ પર મોટામોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને મોટી યાતનાનો સામનો કરવો પડે છે. પુલ પરના બિસ્માર માર્ગને લઇને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. ઘણીવાર ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર જોવા મળતી હોય છે. કોઇવાર પુલ પર કોઇ વાહન ખોટકાઇ જાય તો દુકાળમાં અધિક માસની જેમ ટ્રાફિક જામને લઇને સમસ્યા સર્જાય છે.
મળતી વિગતો મુજબ આજરોજ આ માધુમતિના પુલ પર એક ટ્રક બંધ પડી જતા બન્ને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. પુલ પર એક બાજુએ બંધ પડેલ ટ્રક ઉભી રહી જતા બન્ને તરફના વાહનોએ પુલ પર એકજ બાજુની લાઇન પરથી પસાર થવાની નોબત આવી હતી ! તેને લઇને ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી. જોકે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ટ્રાફિક સંચાલન કરીને સમસ્યા હલ કરાતા અટવાયેલા વાહનો દોડતા થયા હતા. જુના પુલ નજીક ચાર માર્ગીય કામગીરી અંતર્ગત નવો પુલ બનાવાઇ રહ્યો છે. નવો પુલ કાર્યરત થશે ત્યારેજ ટ્રાફિક સમસ્યા હલ થશે એવી પરિસ્થિતિ અત્યારે જણાય છે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા પુલ પર પડેલ ગાબડાઓ પુરીને વ્યવસ્થિત ડામર કાર્પેટ કરાય તો હાલ પુરતો સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ