માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના ચેરમેન દિલીપસિંહ રાઠોડે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને લેખિત રજૂઆત કરી આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રેરીત હાટ બજારોના વિકાસ માટે જરૂરી રૂપિયા ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ગુજરાત રાજયમાં કુલ ૨૨૪ બજાર સમિતિઓ આવેલી છે. અને આ બજાર સમિતિઓ ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરતી મહત્વની સંસ્થા છે. જે પૈકી ૫૪ બજાર સમિતિનો આદિજાતી વિસ્તારમાં સમાવેશ થાય છે. ઉમરગામથી લઇને અંબાજી સુધીનો જે વિસ્તાર છે જેમાં જંગલોનો પણ સમાવેશ થાય છે આ વિસ્તારમાં ખુબજ નાના આદિવાસી ખેડૂતો વસવાટ કરે છે. જે પોતાનું ગુજરાન ખેતી તથા ખેત મજુરી દ્વારા ચલાવે છે. આદિવાસી સમાજનાં ખેડુતો પાસે જમીન ખુબ ઓછા પ્રમાણમાં હોવાથી ઉત્પાદન ખુબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે. તેમજ ઘણા વિસ્તારમાં સિંચાઇની સુવિધા નહીં હોવાને કારણે બજાર સમિતિમાં ખુબ જ ઓછી જણસીની આવકનાં કારણે બજાર સમિતિઓ પણ આર્થિક રીતે ખુબ જ નબળી છે. જેને કારણે આદિજાતી વિસ્તારની બજાર સમિતિઓનો વિકાસ થઇ શકતો નથી. પરંતુ સુરત જિલ્લામાં કોસંબા બજાર સમિતિ આવેલી છે. જે બજાર સમિતિ ધ્વારા અઠવાડીયામાં એક દિવસ હાટ બજાર (ખેડૂત ગ્રાહક બજાર) ચલાવવામાં આવે છે. આમ દરેક સબયાર્ડ પર અલગ અલગ દિવસે હાટ બજાર (ખેડૂત ગ્રાહક બજાર) ભરાતા હોય છે. જેમાં શાકભાજી પક્વતા ખેડૂતો પોતાનો માલ સીધા ગ્રાહકને વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા હોવાને કારણે વચેટીયાઓ દુર રહેતા આદિવાસી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે. તેમજ સામે ગ્રાહકને પણ સસ્તા ભાવે ચીજ વસ્તુ મળી રહે છે. આમ હાટ બજાર (ખેડૂત ગ્રાહક બજાર) માં જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ સસ્તા દરે મળતી હોય છે વેચનાર તેમજ ખરીદનાર ખુબ મોટી સંખ્યામાં ખરીદ વેચાણ માટે આવતા હોય છે. આ પ્રવૃતિ થકી ખુલ્લી જગ્યાનું ભાડુ બજાર સમિતિને મળે છે. કોસંબા બજાર સમિતિ હાટ બજારનું સારું સંચાલન હાલમાં કરી રહી છે જેનો સીધો ફાયદો લોકોને મળી રહ્યો છે સાથે ખેડૂતલક્ષી કામો કરી રહી છે.
આદિજાતી વિસ્તારમાં દરેક બજાર સમિતિ પાસે પોતાની જમીન ઉપ્લબ્ધ છે. તેમજ ઘી બજાર સમિતિ હાટ બજાર (ખેડૂત ગ્રાહ્ક બજાર) ચલાવે છે. અને આદિજાતી વિસ્તારમાં હાટ બજાર (ખેડૂત ગ્રાહક બજાર) વર્ષોથી ખુબજ સફળ રહ્યો છે. હાટ બજારના વિકાસ માટે જરૂરી જરૂરિયાત કંપાઉન્ડ વોલ, પેવર બ્લોક, સી.સી. રોડ, નાના સ્ટોલ, ટોયલેટ બ્લોક, પાણીની સુવિધા તેમજ લાઇટની સુવિધા વગેરે આપવામાં આવે તો વેપારીઓ, ખેડૂતો તેમજ પ્રજાજનોને સારી સુવિધા મળી રહે તો વધુ સારી રીતે હાટ બજાર (ખેડૂત ગ્રાહક હજાર) ચલાવી શકાય તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ પણ આર્થિક પગભર બની શકે તે માટે આદિજાતી વિસ્તારની ૫૪ ખેડૂત ઉત્પન્ન બજાર સમિતિઓ માટે અંદાજીત ૫૦ કરોડની સહાય ફાળવવા મા આવે તેવી માંગ રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ