બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દહેજના લુવારા નજીક આવેલ રિલાયન્સ કંપનીમાં જેકોન એન્જિનિયરસ કોન્ટ્રાક્ટમાં કામ કરતા ૨૧ વર્ષીય વીક્કી કુમારનું કંપની અંદર અકસ્માતે પડી જવાના કારણે તેઓનું મૃત્યુ થયું હતું.
કંપની કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીનું ઊંચાઈથી પટકાતા મોત નિપજ્યું હોવાની હાલ પ્રાથમિક જાણકારી સામે આવી છે, મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ સમગ્ર મામલે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં અનેક જીઆઇડીસી વિસ્તારોમાં આવેલ કેટલાય ઉધોગોમાં અવારનવાર કામદારોના અકસ્માતે મૃત્યુ થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે શું આ પ્રકારના ઉધોગો અને તેમાં કામગીરી કરતા કોન્ટ્રાક્ટના કર્મીઓને સેફટીની કોઈ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે કે કેમ તે બાબત હાલ આ ઘટના બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે, અને જો થતું હોય તો પછી આ પ્રકારના બનાવો બનવા પાછળનું ચોક્કસ કારણ શું હોય શકે તે બાબત તો પોલીસ વિભાગ અને ફેકટરી સેફટી વિભાગની તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે, જોકે અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ ઉપરથી એક વાત કહી શકાય કે સેફટી મુદ્દે નિષ્કાળજી દાખવતા ઉધોગોમાં કામદારોના જીવ સાથે રમત રમાઈ રહી છે.