ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. જેનાં સંદર્ભે પેપર લીકેજ કૌભાંડ પ્રકરણના વિરોધમાં રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના ધરણા પ્રદર્શન અને ગાંધી પ્રતિમા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી અર્જુનભાઈ માછી સહીતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામા રાજપીપલા ગાંધી પ્રતિમા પાસે ગાંધીજીને ફુલહાર અર્પણ કરી પેપર લીક પ્રકરણનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાંનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું પેપર ફોડવાવાળાએ એક વ્યક્તિ દીઠ 8 થી 12 લાખ લીધા હોવાનો આક્ષેપ થયો છે. હિંમતનગર પાસેના ઉંછા ગામના એક ફાર્મ હાઉસમાં પેપર લીક થયા બાદ જવાબો વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છ સુધી પહોંચ્યાં હોવાનું મનાય છે. અગાઉ ગૌણ સેવાએ લીધેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર ફૂટતાં પરિક્ષા રદ કરવી પડી હતી. આપ એ મોબાઇલના કેટલાંક ફોટોગ્રાફ અને સ્ક્રીનશોટ્સને પૂરાવા રૂપે રજૂ કરતાં જણાવ્યુંહતું કે પરીક્ષા શરૂ થયાના બે કલાક પહેલાંના છે અને તેમાં દર્શાવાયેલાં તમામ જવાબો ભરતી પરીક્ષામાં પૂછાયેલાં સવાલોના છે. સાબરકાંઠાના જય અને કેતન નામના બે શખ્સોએ અંદરની કોઇ લિંક થકી આ પેપર ફોડ્યાનો આક્ષેપ છે.
આપના જણાવ્યા અનુસાર ઉંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના 16 ઉમેદવારોની પાસેથી વ્યક્તિ દીઠ 12 લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. તે સાથે કેટલાંક સોલ્યુશનના પુસ્તકો આપી તેમાંથી જવાબ પણ શોધી લેવાયાં હતાં. પરંતુ 200 માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાંક ભરતી પરીક્ષાના ટ્રેઇનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયાં હતાં.
વડોદરા, ભાવનગર સુધી જવાબો પહોંચ્યા. સાબરકાંઠામાં પ્રશ્નો સોલ્વ થયાં બાદ તેના જવાબો સોશિયલ મીડિયા મારફતે અન્ય શહેરોમાં મોકલાયાં હતાં. પરીક્ષાના સમયના બે કલાક પહેલાં તમામને જવાબો મળી ગયાં હતાં. વડોદરાના 3 તથા ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છના 1-1 પરિક્ષાર્થીને આ જવાબો મળ્યા હોવાનો આક્ષેપ થયો હતો. પેપર લીક કાંડ બાદ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર વિરુદ્ધ દેખાવો કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફુટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ તેમના પર આ બાબતને લઈને ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે. જોકે, અત્યારસુધી વોરા પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં 88,000 ઉમેદવારો બેઠા હતા. જોકે, આ પરીક્ષાનું લીક થયેલું પેપર 40 થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાયું હોવાના આક્ષેપ થયા છે.
પેપર લીક કાંડમાં તપાસ કરી રહેલી પોલીસ મોટાં માથાંને બચાવી રહી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, આરોપીઓ વિરુદ્ધ જે કલમ લગાવાઈ છે તે હળવી છે તેવો પણ આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે. આ મામલે જ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ કમલમનો ઘેરાવ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેના કાર્યકરો સાથે મારામારી પણ થઈ હતી, અને ત્યારબાદ ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સહિતના પક્ષના નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા, હાલ તે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે સરકાર પરીક્ષા રદ કરે નહીં તો આગામી દિવસમાં ઉગ્ર વિરોધ કરશે તેમ જણાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા