ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ચુંટણીમાં કેમ ઉમેદવારી કરતા હતા તેમ કહીને લોખંડના પાઇપથી હુમલો કરાયો હોવાનો બનાવ બનવા પામ્યો છે.
મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે રહેતો રાકેશભાઇ રમણભાઇ સોલંકી ગત તા.૨૦ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને ઝઘડીયા જીઆઇડીસીમાં કામ માટે જતો હતો ત્યારે ગામમાં રહેતો શનાભાઇ ભાવસીંગભાઇ વસાવા મળેલ અને તેને રોકીને કહેવા લાગેલ કે તમે કેમ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરતા હતા? ત્યારે રાકેશે જણાવેલ કે અમે ઉમેદવારી કરીએ કે ના કરીએ તે અમારી મરજીની વાત છે. આ સાંભળીને શનાભાઇ ગાળો બોલવા લાગેલ. અને પછી શનાભાઇએ નજીકમાં પડેલ પાઇપના સપાટા માર્યા હતા. આ હુમલામાં રાકેશને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. ત્યારબાદ શનાભાઇએ કહેલ કે મને સરપંચમાં જીતી જવાદો પછી તમારી વાત છે, એમ કહીને ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રાકેશને ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજપિપલા લઇ જવાયો હતો. આ અંગે રાકેશભાઇ રમણભાઇ સોલંકીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે શનાભાઇ ભાવસીંગભાઇ વસાવા રહે.ગામ રાયસીંગપુરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ