ડેડીયાપાડા તાલુકામાં બોગજ ગામે સાંસદ મનસુખભાઇ વસાવાના સાળા ઉપર થયેલા હુમલા પ્રકરણે હવે મોટો રાજકીય વળાંક લીધો છે. જેનાં ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે.
આ ઘટનાથી વ્યથિત થયેલા સાંસદ મનસુખ વસાવાએ પહેલા બીટીપી આગેવાન ચૈતર વસાવાના તોફાનો સામે ગંભીર આક્ષેપો કરી બીટીપી પાર્ટીને આડે હાથે લીધા પછી ડેડીયાપાડાના માજી ધારાસભ્ય અને પૂર્વ વનમંત્રી મોતિસિંહ વસાવા સામે પણ નારાજગી વ્યક્ત કરી મોતિસિંહ વસાવા ઘટના સ્થળે મુલાકાતે કેમ આવ્યા નહીં કે ઈજાગ્રસ્તની મુલાકાત કેમ લીધી નહીં કે મને ફોન સુદ્ધાં કેમ કર્યો નહીં? એવા સણસણતા સવાલો મોતીસિંહ વસાવા કરતાં સામે મોતીસિંહ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે સાંસદને જવાબ આપતાં જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ મારા પર જે આક્ષેપ કર્યા છે એ યોગ્ય નથી. આ બનાવની જેવી મને જાણ થઈ ત્યારે PSI ડેડીયાપાડાને જાણ કરી અને એટલું જ નહિ વાઢવા ગામના બનાવ વખતે પણ SP નર્મદા સાથે પણ વાત કરી હતી. સાંબુટી ગામના બનાવ વખતે પણ DYSP મોદી સાહેબ સાથે પણ વાત કરી હતી. સોલિયા ગામના આપણા સરપંચ ઉમેદવારનાં ફોન આવ્યો હતો કે ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી PSI દેડીયાપાડા જોડે વાત કરી ત્યાં બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો હતો. આ ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓનો જ્યાથી સંપર્ક થયો તરત જ લાગતા વળગતા અધિકારીઓ સાથે વાત કરી જે તે કાર્યવાહી કરવા સૂચનો પણ આપી છે. હું કોઈ પણ BTP કે કોંગ્રેસ પાર્ટીથી ડરતો નથી.અને હું પોતે નીતિ રિતીથી ચાલવા વાળો માણસ છું. જેથી કરીને મને જ્યારે પણ કામ કરવાની સૂચના તમારા તરફથી કે પ્રદેશ કે જિલ્લા તરફથી જે સૂચના મળી છે અમે ત્યાં પહોચીને પ્રશ્નો સાંભળી અને તેના ઉકેલ લાવવાનાં તમામ પ્રયત્નો અમે સૌએ કર્યા છે. સાંસદ મનસુખ વસાવા મને કોઈ ફોન કરતા નથી અને મારા ફોનનો કોઈ જવાબ આપતા નથી.
આ જવાબથી રોષે ભરાયેલા સાંસદ મનસુખભાઈ વસાવાએ મોતીસિંહ વસાવાને સામો પ્રત્યુત્તર આપી આડે હાથે લેતા ભાજપના જ બે દિગ્ગજો આમને સામને આવી ગયા હતા. વળતા જવાબમા સાંસદ મનસુખભાઈએ મોતીસિંહ વસાવાની સાથે ડેડીયાપાડા પોલીસને પણ આડે હાથે લઈ ડેડીયાપાડા પોલીસની દારૂ જુગાર અંગેની પોલ ખોલી નાખતા નર્મદા પોલીસ પણ હરકતમા આવી ગઈ હતી. જવાબ આપતાં સાંસદ મનસુખભાઈએ જણાવ્યું હતું કે માનનીય મોતીભાઈ વસાવા તમે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તમે લોકો સમક્ષ ખોટા ખુલાસા ના કરો, હું તમારા તો શું કોઈપણ અજાણ્યા વ્યક્તિનો પણ ફોન ઉપાડુ છું. માનનીય મોતીભાઈ વસાવા હું આપને કહેવા માગું છું કે હું જ્યારે પાર્લામેન્ટમાં હોઉં છું, ત્યારે બની શકે કે ફોન ના લાગે, કારણ કે પાર્લામેન્ટની બહાર મોબાઇલ ટાવરના જામર લાગેલ હોઈ છે, ત્યારે કોઇપણ વ્યક્તિનો ફોન ના લાગે. તે સ્વાભાવિક વાત છે. પરંતુ જયારે તમને બોગઝ ગામની ઘટનાની જાણ થઈ, ત્યારે તમે ડેડીયાપાડાના પી.એસ.આઈ. ને ફોન કરેલો, તો તમારે દવાખાને આવવાનો શું વાંધો હતો ? હું પોતે બે ત્રણ કલાક દવાખાને રોકાયો હતો અને ત્યાંથી સીધો બોગઝ ગામે રવાના થયો હતો, તો તમારે આવા સમયે ખરેખર સમય કાઢીને મને મળવાની જરૂર હતી? તમે સારી રીતે જાણો છો કે બોગઝ ગામમાં બી.એસ.એન.એલ. ના મોબાઈલના ટાવર બરાબર ચાલતા નથી. તમારી ફરજ હતી કે આવા સમયે તમારે કાર્યકર્તાઓને રૂબરૂ મળવા આવવું જોઈતું હતું. તમે પી.એસ.આઈ.ને ફોન કર્યો હતો, તો તે પી.આઈ.સાઈ. એ ખાલી બોલાચાલી થઈ છે અને આ ઘટના ફક્ત સામાન્ય ઘટના ઘટી છે, તે મુજબ પી.એસ.આઈ.એ ઉપરી અધિકારીને રિપોર્ટ કરેલો, તેના કારણે મારે રૂબરૂ ડેડીયાપાડા આવવું પડ્યું હતું.
આ ઉપરાંત તમે પણ સારી રીતે જાણો છો અને પોલીસ પણ જાણે છે કે શંભુનગર ચોકડી, ચીકદા રોડ પર એક રાજકીય પક્ષના મોટા આગેવાન ઇંગ્લિશ દારૂ તથા મોટા પાયે સટ્ટા બેટિંગ તથા જુગારનો મોટો ધંધો ચલાવે છે અને તે બુટલેગર રાજકીય નેતાઓને તથા પોલીસ અધિકારીઓને મોટા હપ્તાઓ દર મહિને આપે છે અને ફંડિંગ પૂરું પાડે છે. તે વાત તમે સારી રીતે જાણો છો? તો આ વિસ્તાર તમારા ખોડાઆંબા ગામથી લગભગ પાંચ છ કિલોમીટર દૂર થાય છે અને આ વિસ્તારના ઘણા બધા લોકોની આ સટ્ટા બજાર બંધ કરવાની માંગણી રહી છે, તો તમે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે કેમ પ્રયત્નો કરતા નથી ?એવો સવાલ કરતાં રાજકીય પક્ષના મોટા આગેવાન ઇંગ્લિશ દારૂ તથા મોટાપાયે સટ્ટા બેટિંગ તથા જુગારનો મોટો ધંધો ચલાવે છેતો એ રાજકીય આગેવાન કોણ? એ લાખ રૂપિયાનો સવાલ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં બુટલેગર રાજકીય નેતાઓને તથા પોલીસ અધિકારીઓને મોટા હપ્તાઓ દર મહિને આપે છે અને ફંડિંગ પૂરું પાડે છે એમ જણાવ્યું છે તો એ બુટલેગર કોણ? એ બીજો મોટો સવાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આગામી દિવસોમાં આના રાજકીય ઘેરા પ્રત્યાઘાતો પડે તો નવાઈ નહીં!
દીપક જગતાપ, રાજપીપલા