ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની તા.૧૯ મીના રોજ ચુંટણી યોજાઇ હતી. આજે તા.૨૧ મીના રોજ ઝઘડીયાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરુ થતા મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચાલુ મતગણતરી દરમિયાન એક ઉમેદવારને ચક્કર આવતા સ્થળ પર હાજર આરોગ્ય કર્મીઓએ તાત્કાલિક સારવાર આપતા ઉમેદવાર સ્વસ્થ થયો હતો. તેમજ મતગણતરી દરમિયાન એક રુમમાં સાપ દેખાતા મતગણતરી સ્ટાફ અને ઉમેદવારો ભયભીત બન્યા હતા, જોકે સેવ એનિમલ ટીમના સુનિલ શર્માએ તાત્કાલિક સ્થળ ઉપર આવીને સાપને પકડી લીધો હતો. સાપને સલામત છોડી દેવાયો હતો. સાપ દેખાવાની ઘટના દરમિયાન કોઇને કંઇપણ જાતનું નુકશાન ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી. મતગણતરી કેન્દ્ર ખાતે ઝઘડીયા તાલુકાની જે ૬૭ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાઇ હતી તેમને ૧૩ વિભાગ અને છ રાઉન્ડમાં વહેંચી દેવાયા હતા. ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્યપદ માટેના વિજેતા ઉમેદવારો બહાર નીકળતા તેમના સમર્થકો દ્વારા તેમને ફુલહારથી વધાવી લેવાતા જોવા મળ્યા હતા. બપોરના ત્રણ વાગ્યે ૩૨ જેટલી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા. મતગણતરીની શરુઆતે પ્રથમ નાની ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોર બાદ મોટી ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૪૦ ગ્રામ પંચાયતોના પરિણામો આવી ચુક્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
ઝઘડીયા : મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરીથી મેળા જેવું દ્રશ્ય સર્જાયુ.
Advertisement