આજે નર્મદા જિલ્લાની 184 ગ્રામ પંચાયતોની સરપંચો અને સભ્યોની ચૂંટણીના પરિણામો માટે પાંચેય તાલુકા મથકોએ સીલ કરેલી મતપેટીઓ ખુલી હતી. જેમાં સરપંચોનું ભાવિ મતદારોએ સીલ કર્યું હતું. આજે ભારે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી. જોકે ડિજિટલ યુગમાં ઈવીએમ મશીનને બદલે મતદારો અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. આજે પરિણામો જાણવા હજારોની સંખ્યામાં સમર્થકોના ટોળાં અને વિજય સરઘસો નીકળતા રાજપીપલામા ચક્કાજામના દ્રશ્યો સર્જાયાં હતા.
નર્મદા જિલ્લામાં નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૫૧૯ મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે ૧૮૫ સરપંચપદની અને વોર્ડના સભ્યોની-૧૩૦૨ બેઠકો માટે ચૂંટણી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં કુલ ૮૧.૬૮ ટકા ભારે મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નાંદોદ તાલુકામા ૮૫.૯૧ ટકા મતદાન નોંધાયું છે. જયારે સૌથી ઓછું મતદાન સાગબારા તાલુકામાં ૭૪.૪૦ ટકા નોંધાયુ છે. ગરુડેશ્વર તાલુકા ૮૧.૨૪ ટકા તથા તિલકવાડા ૮૪.૨૭ ટકાતથા ડેડીયાપાડા તાલુકામાં ૮૫.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.
આજે નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન, બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી.
આજે નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં57 આનંદ ભવન ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી જેનાં પરિણામો જાહેર થતાં સરપંચોના વાજતે ગાજતે વિજય સરઘસો નીકળ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા