ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના તેજપોર ગામે આજરોજ બપોરના સમય દરમિયાન ગામના દશરથભાઈ ચંદુભાઈ વસાવા નામના પશુપાલક તેમના પશુઓ લઇને તેજપોર અને આંબાખાડી ગામ વચ્ચે આવેલ ડુંગર પાસે ચરાવવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક તેમના બકરા ઉપર એક દીપડાએ હુમલો કર્યો હતો. બકરાનો અવાજ આવતા તેઓ નજીક દોડી ગયા હતા. એક દીપડા દ્વારા એક બકરી ઉપર હુમલો કરાયો હોવાનું જણાયુ હતુ.
દિપડાના હુમલામાં જખ્મી થયેલ બકરીનું સ્થળ પરજ મોત થયું હતું તેમજ દીપડાએ અન્ય એક બકરીને પણ પગના ભાગે પકડી લેતા તેને પણ ઇજા થઈ હતી. જોકે અન્ય લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના ઘણા વિસ્તારોમાં અવારનવાર દિપડા દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ બનતી દેખાય છે. ઘણીવાર દિપડાઓ માનવ વસતીમાં પણ આવી જતા હોય છે, આને લઇને તાલુકાની જનતામાં ભયની લાગણી જોવા મળે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ