ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોરથી ભાલોદ જવાના મુખ્ય માર્ગ પર એક મોટુ વૃક્ષ સુકાઇ ગયેલ અવસ્થામાં લાંબા સમયથી ઉભેલુ જણાય છે. પ્રાંકડના અગ્રણી નરેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ આ સુકાયેલું મોટુ વૃક્ષ કોઇવાર પસાર થતા રાહદારી કે વાહન પર પડશે તો જાનહાની થવાની સંભાવના રહેલી છે. ત્યારે તંત્ર તાકીદે આ બાબતે ઘટતુ કરે તે જરુરી છે.
ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી સામે એક વૃક્ષ એક કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વૃક્ષ પડવાના કારણે નજીકથી પસાર થતી વીજલાઇન પરના તાર તુટતા નગરમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની નહિ થતા તંત્રએ રાહત અનુભવી હતી. ત્યારે વણાકપોરથી પ્રાંકડ વચ્ચેના માર્ગ પરનું આ સુકુ વૃક્ષ હટાવી લેવા તંત્ર યોગ્ય કરે તે જરુરી છે. ભાલોદ પંથકના વાહનોની અવરજવર માટે આ માર્ગ અતિ મહત્વનો છે. વાહનોની રફતારથી ધબકતા રહેતા આ માર્ગ પરનું સુકુ વૃક્ષ તાકીદે હટાવી લેવાય તે જરૂરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ