“પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧” અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે જિલ્લાકક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા, ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એન. જે. ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક જે.આર.દવે સહિત અધિકારીઓ, જિલ્લાના ધરતીપુત્રો વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજે “કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. પરંતુ ખેડૂતો ઓછા ખર્ચે બમણી આવક મેળવી શકે તે માટે બજેટમાં પણ માતબર રકમની જોગવાઇ કરવાની સાથોસાથ સરકારશ્રી દ્વારા કૃષિ મેળા, બીજ સુધારણા, ગાયના નિભાવ ખર્ચ માટે માસિક રૂ. ૯૦૦ ની સાથે ખેડૂતોને ધિરાણ પણ ચૂકવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ લાંબા ગાળે ગંભીર રોગનો ભોગ બને છે જેથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને બંધ કરીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાથી પર્યાવરણ તેમજ કુદરતી સંશાધનોની જાળવણી થશે તેમજ ઘર આંગણે જ ઉપલબ્ધ ગૌમૂત્ર- છાણનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડી સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી શકાશે. ભૂડ, રોજડા જેવા જાનવરો ખેડૂતોના પાકને નષ્ટ ન કરે તે માટે તેમના પાકના રક્ષણ માટે સરકાર દ્વારા ખેતરની ચારે બાજુ કાટાળા તારની વાડ બાંધવા માટે સહાય આપવામાં આવી છે. પ્રાકૃતિક જીવન એ જ શ્રેષ્ઠ જીવન છે જેથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવા અને ડ્રિપ ઈરીગેશનનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાં મંત્રીશ્રી મોદીએ જણાવ્યું હતું. રાજ્યમાં ડાંગ જિલ્લાને હાલ સંપૂર્ણ પ્રાકૃતિક બનાવવાનું નક્કી કર્યું છે ત્યારે, આવનાર સમયમાં ગુજરાતના એક પછી એક એમ તમામ જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં આવરી લઈને વિશ્વને અનાજ પૂરું પાડવાની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી દૂર રહેવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાની જાણકારી પૂરી પાડી હતી. આણંદ ખાતે ‘કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મહામહિમ રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએ કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઇન માધ્યમ થકી કરાયેલા જીવંત પ્રસારણમાં પ્રાકૃતિક ખેતી નિમિત્તે ફિલ્મ નિદર્શન પણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા