ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અજયભાઈ ચુનીલાલભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેકટરને લેખિતમાં લેખિતમાં રજૂઆત કરીને પોતાને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયા મુજબ પોતે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ઉમેદવારી કરી છે. અજય વસાવાના મોટાભાઈ સોમાભાઈ ચુનીલાલભાઈ વસાવાએ ૨૦૧૨ ની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, દરમિયાન તે સમયે ચૂંટણીના બે દિવસ અગાઉ તેમના ઘરે રહેતા એક છોકરાની હત્યા થઇ હતી. હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની હોઇ અજય વસાવાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે ત્યારે ચૂંટણીમાં ગામમાં તેમ જ ફળિયામાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બને તેમ લાગતા પોતાના જીવનું જોખમ હોવાની દહેશત જણાય છે. તેથી તેના ઘરે યોગ્ય બંદોબસ્ત કરી આપવા રજૂઆતમાં જણાવ્યુ છે. વધુમાં જણાવાયા મુજબ તેણે જૂન ૨૦૨૧ માં આરટીઆઇ હેઠળ માહિતી માંગેલ હતી, તે દરમિયાન અજય વસાવાને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી તેથી બંદોબસ્ત આપવા માંગ કરી છે.