હેડક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા લેવા ભવિષ્યની પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવા બાબતે છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરને આમ આદમી પાર્ટી જીલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠણ આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં આવેદનમા જણાવ્યું હતું કે ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકાર દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઇને વિવિધ ભરતીઓ થાય છે . આ પરીક્ષાઓ સાથે ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાય એ ખુબ જ જરૂરી છે.
તાજેતરમાં તા. ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાયેલ હેડક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષાની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરના એક ફાર્મહાઉસમાં સોળ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોચ્યું હતુ. પેપર લીક થવાની આ પરંપરા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય છે. હજારો રૂપીયા ક્લાસીસમાં બગાડી અને પોતાનો અમુલ્ય સમય બગાડીને પોતાનું જીવન સજાવા માટે મથી રહેલા ગાંધીજીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ દર પરીક્ષા વખતે એક જબરો માનસિક આઘાત અનુભવે છે આ એક પ્રકારની હિંસા જ છે.
હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આધારો સાથે રજુઆત કરવામાં આવી છે ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી થાય. દોષિતોને પરીક્ષામાંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય. તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવુ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે. તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અનેવિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે એવી ચીમકી પણ આપી હતી.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.