રાજપીપલા વાસીઓ માટે આનંદના સમાચાર છે કે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે રાજપીપળાથી કેવડિયા બાયપાસ રોડને મંજૂરી મળી ગઈ છે. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે 1.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 6.36 કિમિના બાયપાસ રોડને મંજૂરી મળી છે જે હવે રસ્તો ભદામથી સીધો વડિયા મુખ્ય કેનાલ નીકળશે. જોકે આ બાયપાસ રોડની ઘણા વખત પહેલા જ મંજુર કરવાની જરૂર હતી. કારણ અત્યાર સુધી કેવડિયા સ્ટેચ્યુ જનારા હાઇવે પરના પ્રવાસીઓ અને અન્ય વાહનો વાયા રાજપીપલા થઈને જતા હતા તેનાથી રાજપીપલામા ટ્રાફિકનું ભારણ વધી જતા ટ્રાફિક સમસ્યા વકરી હતી. આજે આ વિસ્તારમા ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બન્યો હતો. અને અવારનવાર નાના મોટા અકસ્માતો પણ થતાં હતા એમાં ઘણા નિર્દોષોએ જાન પણ ગુમાવ્યા છે ત્યારે હવે આ બાયપાસ રોડથી ટ્રાફિકનું ભારણ ચોક્કસ ઘટી જશે.
જોકે આ અંગે ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા એ ડાયરેક્ટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તથા માર્ગમકાન મંત્રીને લેખિત રજુઆત કરી હતી. જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપ સંગઠન દ્વારા માર્ગ મકાન વિભાગને લેખિત અને મૌખિક રજુઆત કરી હતી જેનો આ પડઘો પડયો હતો. આ નવો બાય પાસ રોડ મંજુર થતાં પ્રજામાં રાહત અને આનંદની લાગણી જન્મી છે.
આ જિલ્લા નર્મદા કલેકટર ડી એ શાહે જણાવ્યું હતું કે સરકારમા રજુઆત કરાઈ હતી હવે ટેન્ડરિંગની પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં આ કામકાજ હાથ ધરાશે. આ બાયપાસ રોડથી ટ્રાફિકનું ભારણ ઘટી જશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. અત્યાર સુધી રાજપીપલા વિજય ચોકથી વાહનો ગાર્ડન રોડ થઈને હરસિદ્ધિ માતા રોડ, સંતોષ ચાર રસ્તા, એમવી રોડ, ગાંધી ચોક થઈને કાળીયા ભૂત ચાર રસ્તા થઈને જકાત નાકા તરફ રસ્તો જતો હતો જેને કારણે ભારે વાહનોના લોડને કારણે રસ્તાને પણ નુકશાન થતું હતું. હવે આ બધી સમસ્યાઓનો અંત આવશે. તાજેતરમા માર્ગ મકાન મંત્રીએ રાજપીપલાના બિસ્માર રસ્તાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી ત્યારે ભાજપાના આગેવાનો, ગ્રામજનોએ પણ રસ્તા અંગે રજૂઆત કરી હતી. જેની સરકારે નોંધ લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી છેક કેવડિયા જવા માટે હાલ ફોર લેન રોડ બની રહ્યો છે ત્યારે તેની સાથે આ બાયપાસ રોડ બની જવાથી ટ્રાફિક સમસ્યા હળવી બનાવની સાથે સાથે વાહનો ઝડપી દોડતા થશે એનાથી સમય અને નાણાંનો પણ બચાવ થશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા