વડોદરા શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં શિક્ષક દંપતીના જોડીયા પુત્રોએ ડિપ્રેસનમાં પોતાના સ્ટડી રૂમમાં ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ આપઘાતના પ્રયાસમાં એક ભાઇનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદર શહેરમાં ન્યુ અલકાપુરી તરીકે ઓળખાતા શાંતનુ એપાર્ટમેન્ટમાં રાજેશભાઇ પટેલ પત્ની અને બે જોડીયા 17 વર્ષના પુત્રો રોહાશું અને રીહાન સાથે રહે છે. રાજેશભાઇ પટેલ અને તેમના પત્ની આણંદ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શાળાની સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સોમવારે સમી સાંજે જોડીયા પુત્રો રોહાશું અને રીહાને પોતાના સ્ટડી રૂમમાં અલગ-અલગ નેપકીનથી પંખાના હુક પર મોતનો માંચડો તૈયાર કરી ફાંસો ખાઇ લીધો હતો.
સમી સાંજે નોકરી ઉપરથી ઘરે આવેલા માતા-પિતાએ બંને પુત્રોને સ્ટડી રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા. તેઓનો રડવાનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો દોડી ગયા હતા અને પંખા ઉપર લટકેલા બંને ભાઇઓને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ બે પૈકી રીહાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બેભાન રોહાશુંની ઘનિષ્ઠ સારવાર શરૂ કરી હતી.
શાંતનું એપાર્ટમેન્ટ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસને થતાં પી.એસ.આઇ. આર.કે. ગોસાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જોડીયા ભાઇઓ રોહાશું અને રીહાન કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અને છેલ્લા બે દિવસથી તેઓની નીટની પરિક્ષા ચાલતી હતી. પરિક્ષા આપીને ઘરે આવ્યા બાદ બંને ભાઇઓએ ફાંસો ખાઇ લીધો હતો.
પી.એસ.આઇ. આર.કે. ગોસાઇએ જણાવ્યું હતું કે, પરિક્ષાના પરિણામને લઇ ડિપ્રેશનમાં આવી ગયા હોવાના કારણે બંને ભાઇઓએ સાથે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. જોકે, જોડીયા ભાઇઓના આપઘાતનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે. હાલ આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.