ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા વડોદરા તરફ જતો માર્ગને ચાર દિવસ માટે NHAI દ્વારા ડાયવર્ટ કરવામાં આવતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા. મીડિયા ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેતા ભુખી ખાડીના પુલનું સમારકામ કરતા કર્મીઓ નજરે પડયા હતા.
તો બીજી તરફ માંચ ગામ પાસેથી વાહન વ્યવહાર એક માર્ગીય થતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થવા પામી હતી. સમારકામના પ્રથમ દિવસે જ વરેડિયા ભુખી ખાડીના પુલથી કરજણ તાલુકાના હલદરવા ગામ સુધી વાહનોની લાંબી કતારોના દ્રશ્યો નજરે પડયા હતા. ચાર દિવસ સુધી સમારકામ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોને હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડશે. વરેડિયા નજીક ભુખી ખાડીનો પુલ આમ પણ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે.
તંત્ર દ્વારા ભુખી ખાડીના પુલને ત્રણ લેનમાં પરિવર્તિત કરવામાં આવે તો અકસ્માતોમાં પણ ઘટાડો થશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ હળવી થાય એમ છે. તો તંત્ર દ્વારા ભુખી ખાડીના પુલને ત્રણ લેનમાં પરિવર્તિત કરવામાં એવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ભુખી ખાડીના પુલનું ચાર દિવસ સુધી સમારકામ ચાલવાનું હોઇ પાલેજ તેમજ કરજણ પોલીસ દ્વારા અનુક્રમે વરેડિયા નજીક તેમજ હલદરવા નજીક ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મીઓ તેહનાત કરેલા જોવા મળ્યા હતા.
યાકુબ પટેલ, ભરૂચ