ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૯ ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને તંત્ર સજ્જ બન્યુ છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને આ ત્રણ તાલુકાના કુલ પાંચ પોલીસ મથકો દ્વારા દરેક મતદાન મથકે ન્યાયિક અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૧૯ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુલ ૪૨ બુથો પૈકી ૧૭ અતિસંવેદનશીલ, ૯ સંવેદનશીલ જ્યારે ૧૬ સામાન્ય મતદાન મથકો છે, જે પૈકી કુલ ૩૦ બિલ્ડીંગોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. કુલ ૩૦ બિલ્ડીંગો પૈકી ૧ બુથવાળા મથકોમાં ૨ અતિસંવેદનશીલ, ૫ સંવેદનશીલ જ્યારે ૧૩ સામાન્ય, ૨ બુથવાળા મથકોમાં ૬ અતિસંવેદનશીલ અને ૩ સામાન્ય જ્યારે ૪ બુથવાળા મથકોમાં ૧ અતિસંવેદનશીલ મથકનો સમાવેશ થાય છે. ઝઘડીયા પોલીસ મથકના વિસ્તારમાં આવતી ૩૪ ગ્રામ પંચાયતો પૈકી ૩ સમરસ જાહેર થઇ છે અને ૨ પંચાયતોની મુદત બાકી હોઇ કુલ ૨૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે.
ઝઘડીયા પોલીસના વિસ્તારમાં આવેલ કુલ ૫૪ બુથ પૈકી ૧૦ અતિસંવેદનશીલ, ૧૯ સંવેદનશીલ જ્યારે ૨૫ સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે. ૩૭ બિલ્ડીંગોમાં સમાવિષ્ટ આ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉમલ્લા પોલીસ મથકની હદમાં કુલ ૩૦ ગ્રામ પંચાયતો પૈકી ૩ સમરસ જાહેર થઇ છે અને ૪ પંચાયતોમાં હાલ ચુંટણી નહિ હોવાથી કુલ ૨૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૩૩ મતદાન મથકો પર ચુંટણી યોજાશે. ઉમલ્લા પોલીસની હદમાં આ ૩૩ પૈકી ૯ સંવેદનશીલ મતદાન મથકો છે. વાલિયા પોલીસની હદમાં કુલ ૪૫ પૈકીની ૪૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે. કુલ ૬૯ બિલ્ડીંગમાં આવેલ મતદાન મથકોમાં ૮૬ બુથોમાં ૧૪ અતિસંવેદનશીલ, ૨૭ સંવેદનશીલ જ્યારે ૪૫ સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે. જ્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ૩૫ પૈકી ૩૪ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. નેત્રંગ પોલીસની હદમાં કુલ ૬૭ બિલ્ડીંગમાં સમાવાયેલ ૭૯ મતદાન મથકો પૈકી ૩૦ મતદાનમથકો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકાના ઝઘડીયા ઉમલ્લા રાજપારડી નેત્રંગ અને વાલિયા પોલીસ મથકોની હદમાં આવેલ તમામ મતદાન મથકોએ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચાંપતા પગલા ભરાશે એમ જણાવાયુ છે. ઉલ્લેખનીય છેકે આ ત્રણ તાલુકાના કેટલાક ગામો તાલુકા મથક અને પોલીસ સ્ટેશનના અલગઅલગ વિસ્તારોમાં સમાવાયેલા છે. જેમકે નેત્રંગ તાલુકાના અમુક ગામો ઝઘડીયા અને ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવેલા છે. તેમજ કેટલાક વાલિયા પોલીસની હદમાં પણ આવેલા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ