ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક એક ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બન્ને મોટરસાયકલ સવારને ઈજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શિનોર તાલુકાના અવાખલ ગામથી મોટરસાયકલ પર સવાર થઇ ભરૂચ જવા નીકળેલા રમણભાઈ જેઠાભાઈ પરમાર તેમજ તેઓના પત્ની શશીકલા બેન જેઠાભાઈ પરમાર મોટર સાયકલ પર સવાર થઈ વરેડિયા નજીકથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે વરેડિયા ગામ નજીક આવેલી ભુખી ખાડીના પુલ નજીક એક ટ્રક નંબર જીજે – ૧૪ – એક્સ ૧૯૭૯ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ સવાર રમણભાઈને પગના ભાગે તેમજ તેઓના પત્ની શશીકલા બેનને કમરના ભાગે મૂઢ માર વાગતા ૧૦૮ દ્વારા બન્ને ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીક આવેલી ભુખી ખાડીનો પુલ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ વરેડિયા નજીક આવેલી ભુખી ખાડી પર જીવલેણ અકસ્માતો સર્જાયા હતા જેમાં કોઈનો લાડકવાયો તો કોઈ સુહાગનની સેંથીનું સિંદૂર ભુંસાયું હતું. તો વરેડિયા નજીક આવેલી ભુખી ખાડીના પુલને ત્રણ માર્ગમાં પરિવર્તિત કરવામાં આવે એવી વાહનચાલકો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે. અક્સ્માત સંદર્ભે રમણભાઈ જેઠાભાઈ પરમારે ટ્રક ચાલક વિરૂધ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાલેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
યાકુબ પટેલ, પાલેજ