ભરૂચ જીલ્લામાં ચોમાસાની ઋતુની જેમ હાલ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદની વિગત જોતાં આજે તા.2/12/21 ના રોજ સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સમગ્ર ભરૂચ જીલ્લામાં કુલ 180 મી.મી એટલે કે 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. 24 કલાક દરમિયાન ભરૂચ તાલુકામાં સૌથી વધુ 39 મી.મી. વરસાદ જ્યારે સૌથી ઓછો આમોદ તાલુકામાં 5 મી.મી વરસાદ વરસ્યો હતો. જયારે જંબુસર તાલુકામાં 6 મી.મી., નેત્રંગ તાલુકામાં 6 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 28 મી.મી., હાંસોટ તાલુકામાં 19 મી.મી., વાગરા તાલુકામાં 19 મી.મી., વાલિયા તાલુકામાં 37 મી.મી. અને ઝઘડિયા તાલુકામાં 21 મી.મી. વરસાદ વરસ્યો હતો.
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર હજી આવનાર દિવસમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના સેવાઇ રહી છે. આમ ચોમાસાની ઋતુની જેમ જ શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આંખોમાં પણ આંસુ આવી ગયા છે. હાલ ખેતરમાં ઊભા પાક જેવા કે તુવેર, કપાસ, જુવાર, મગ તેમજ રવીપાક જેવા ઊભા પકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે ત્યારે કુદરતી પ્રકોપ અંગે ખેડૂતો સરકાર તરફ સહાયની મીટ બાંધી બેઠા છે.