કમોસમી વરસાદને પગલે પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરની સર્વોદય ચોકડી પાસે ઘોડાને કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેની સાથે ઘોડાના માલિકે મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આજરોજ અંકલેશ્વર સર્વોદય નગરની સામે ફતેનગરની પાસે મેઈન રોડ પર વીજ પુરવઠાની બેદરકારી સામે આવી છે. વીજ ડીપી ખુલ્લી મુકાતા તબેલા પરથી ચરવા આવેલા ઘોડાને કરંટ લાગતા ઘટનાસ્થળે ઘોડાનું મૃત્યુ થયું હતું. તે સાથે એક બિલાડીને પણ કરંટ લાગતા બિલાડીનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ઘોડાના માલિકે તેમના 2 લાખ રૂપિયાના ઘોડાનું મૃત્યુ થવાથી નુકસાન વળતરની માંગણી કરી છે. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે જાનવરને કરંટ લાગ્યો છે કોઈ બાળકને કરંટ લાગે અને બાળકનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની જેથી સ્થાનિક લોકોમાં વીજ પુરવઠાને લઈ રોષ જોવા મળી રહ્યો છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર