ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઇ છે. જેમાં 10 થી વધુ માછીમાર પણ લાપતા થયા છે. ગીર સોમનાથમાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે. હવામાન વિભાગની ચેતવણી છતાં માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા. માછીમારી સમયે ભારે પવન ફુંકાતા બોટ ડૂબી હોવાની શક્યતા છે જેના કારણે માછીમારો ફસાયા હોય શકે છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ કરેલી આગાહી મુજબ રાજ્યના જુદા-જુદા વિસ્તારો-તાલુકાઓમાં ભારે પવન સાથે માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી દરીયામાં ભારે કરંટની સ્થિતિ વર્તાતી હતી. જેમાં ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ અને પવન વચ્ચે ગત રાત્રે 15 જેટલી બોટ દરિયામાં ડૂબી હતી. આ ઘટનામાં કેટલાક ખલાસી લાપતા થયા છે જેમને બચાવવા માટે હાલ ઉનામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. આ માટે નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. તો પ્લેન દ્વારા સતત દરિયામાં રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરાઈ છે. જેમાં 4 ખલાસીનો આબાદ બચાવ થયો છે. હાલ બાકીના લાપતા ખલાસીઓ-બોટોની શોધખોળ તંત્રની ટીમ કરી રહી છે.
ગીર સોમનાથના ઉનાના નવાબંદરની 15 બોટ દરિયામાં ડૂબી : 10 થી વધુ માછીમારો લાપતા.
Advertisement