આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ભરુચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડીયા તાલુકામાં પણ આજરોજ રાત દરમિયાન વરસાદની શરુઆત થઇ હતી. દિવસ દરમિયાન પણ હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વરસાદની અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી. વરસાદને લઇને બજારો સુમસામ જણાતા હતા. કમોસમી વરસાદથી શિયાળુ ખેતીને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં જણાય છે. કપાસ સહિત અન્ય શિયાળુ પાકોને નુકશાન થવાની વાતે ખેડૂતોમાં ચિંતા ફેલાવા પામી છે. સામાન્યરીતે ગામડાઓમાં દિવાળી પહેલા કાચા મકાનોમાં માટીના ઓટલા બનાવાતા હોય છે. આજે વરસેલા કમોસમી વરસાદથી માટીના કાચા ઓટલા ધોવાઇ ગયા હતા. વરસાદની અસર ટ્રાન્સપોર્ટ પર પણ જોવા મળી. ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહેતો ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ રોજની સરખામણીએ પસાર થતા ગણ્યા ગાંઠ્યા વાહનોને લઇને સુમસામ જણાતો હતો. વરસાદને લઇને ચોમાસા જેવો માહોલ સર્જાતા લોકોએ અભરાઇ પર ચઢાવી દીધેલા છત્રી, રેઇનકોટ પાછા ઉતારવા પડ્યા હતા. આમ કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકામાં જનજીવન પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ