પાલેજ નગરમાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે બુધવારે સવારે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું. હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો.
કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. વરસાદને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો તેમજ નગરજનોને સ્વેટર પરિધાન કરી કામ અર્થે નીકળવાની ફરજ પડી હતી. વરસાદને કારણે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. વરસાદને પગલે વાતાવરણ ટાઢુંબોળ બનવા પામ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ