માંગરોળ તાલુકાના વાંકલ ગામના કોંગ્રેસ અગ્રણી ઠાકોરલાલ ચૌધરી અને તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ ઉજાશ ચૌધરીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ જતાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ કોંગ્રેસના આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પક્ષમાં આવકાર્યા હતા.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે માંગરોળ તાલુકામાં કોંગ્રેસ પક્ષને વધુ એક ફટકો પડયો છે. કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા કોંગ્રેસ અગ્રણી ઠાકોરલાલ ચૌધરી અને માંગરોળ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ ઉજાશ ચૌધરી એ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ટેકેદારો સાથે વિધિવત રીતે ભાજપ પક્ષમાં જોડાઈ ગયા હતા. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવા એ તેઓને વાંકલ ખાતે પક્ષમાં આવકાર્યા હતા. આ સમયે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, એસ ટી સેલ ભાજપના મહામંત્રી જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય ડૉ.યુવરાજસિંહ સોનારીયા, નારણભાઈ પટેલ, મહેશભાઈ જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ