ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા સ્તરની કારોબારીની બેઠક આત્મીય હૉલ ખાતે યોજવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં સૌનું સ્વાગત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કર્યું હતું. તે સાથે તેમણે ભરૂચ જીલ્લામાં ભાજપની પ્રગતિ તેમજ અન્ય માહિતી આપી આવનાર ચુંટણીમાં સંગઠિત થવા અંગે અપીલ કરી હતી.
પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે હાલની રાજકીય પરિસ્થિતીની સમીક્ષા કરી હતી ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપ દ્વારા થતાં વિકાસનાં કામો અને આવનાર દિવસોમાં થનાર કામો અંગે માહિતી આપી હતી. પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા સહકારી બેન્કના પ્રમુખ અને વગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, વગેરેએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
કારોબારીમાં મુખ્યત્વે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલ વિક્રમજનક કોરોના રસીકરણ, ખેડૂતોના હિતમાં કરાયેલ કામો તેમજ દેશને સમૃદ્ધ બનાવવાના વડાપ્રધાનના સતત અને અવિરત કાર્યોને આવકારવા અંગે અગ્રણી દિવ્યજિત ચુડાસમાએ ઠરાવ મૂકતા ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન, મહામંત્રી ફતેસિંહ ગોહિલ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 25 કરતાં વધુ આમ પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા તેમણે આવકાર આપવામાં આવ્યો હતો.
ભરૂચ : આત્મીય હૉલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ.
Advertisement