ભરૂચ નગર ખાતે ચોંકાવનારો બનાવ બન્યો હતો જેમાં સોનાના વેપારીને નકલી સોનુ પધરાવી અસલી સોનાની મોંઘી ચેઇન લઈ ભેજાબાજો ફરાર થઈ ગયા હતાં. આ અંગે વિગતે જોતા ભરૂચના કલામંદીર જવેલર્સ ખાતે ચાર નકલી સોનાના બિસ્કિટ પધરાવી ભેજબાજો અસલી સોનાની ચેઇન લઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો.
આ ચોંકાવનારા બનાવ અંગે વિગતે જોતા સિધવાઈ પોલીસ ચોકી સામે અને સેવાશ્રમ રોડ પર આવેલ કલામંદિર જવેલર્સના રોનીશ ખાબિયાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાવેલ ફરિયાદ મુજબ 8 મી નવેમ્બરના રોજ સાંજના સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં સેલવાસના બે રહીશો છોટુલાલ ગુર્જર અને કિશનલાલ ગુર્જર સોનાના ચાર બિસ્કિટ વેચવા આવ્યા હતા. જે અંગે જવેલર્સને વિશ્વાસમાં લઇ તેના બદલામાં 22 કેરેટ સોનાનીની 42.070 ગ્રામની રૂપિયા 2,11,410 ની ચેઇન ખરીદી ગયા હતા. જે બાદ તપાસ કરતા સોનાના બિસ્કિટ નકલી હોવાનું જણાયું હતું. આમ સોનાના વેપારીને પણ નકલી સોનાના બિસ્કિટ પધરાવી અસલી સોનાની ચેઇન ભેજબાજો લઈ જતા એ ડિવિઝન પોલીસે સી.સી.ટીવી ફૂટેજ મેળવવા અંગેની તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરિ છે.