માંગરોળ તાલુકાના મોસાલી ગામે માર્કેટ યાર્ડમાં ચાલતા હાટ બજારમાં મોબાઇલની ચોરી કરનારા બે ઇસમો ઝડપાઈ જતાં પોલીસને હવાલે કરાયા છે. દર મંગળવારે મોસાલી ગામના માર્કેટ યાર્ડમાં હાટ બજાર ભરાય છે જેમાં આજુબાજુના 25 થી વધુ ગામના લોકો શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી માટે આવતા હોય છે. સાંજે છ વાગ્યાના અરસામાં માંગરોળ ગામના ઘંટી ફળિયામાં રહેતા ઈસ્માઈલભાઈ યુસુફભાઈ પટેલ પોતાની પત્ની સાથે શાકભાજી ખરીદવા હાટ બજારમાં આવ્યા હતા ત્યારે ગ્રાહકોની ભીડ વચ્ચે અજાણ્યા ઈસમોએ ઈસ્માઈલભાઈને ધક્કો મારી ખિસ્સામાંથી મોબાઇલની ઉઠાંતરી કરી બંને ઈસમ ભાગવા લાગ્યા હતા. ઈસ્માઈલભાઈએ પીછો કરી એક ઈસમને ઝડપી લેતા તેણે તેના હાથમાં રહેલો મોબાઈલ બીજા ઈસમને આપી દીધો હતો જેથી તે ભાગી છૂટ્યો હતો. પકડાયેલા ચોર ઇસમને પોલીસના હવાલે કરાયો હતો. તપાસ કરતા આ ઇસમનું નામ શાહ નવાઝ રસીદ મલેક જંબુસરનો હોવાનું જણાવ્યું હતું, તેમજ બીજા ભાગી છૂટેલા ઈસમને પકડાયેલા ચોર ઇસમ મારફત બોલાવવામાં આવ્યો હતો તેનું નામ સગીર અજીજ બેગ મિર્ઝા રાંદેર કોઝવે ઝુપડપટ્ટી સુરતનો હોવાનું જણાવ્યું હતું બંને આરોપી વિરુદ્ધ ઈસ્માઈલ યુસુફ પટેલ દ્વારા ચોરીના ગુનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ