ભરૂચ – નર્મદા જીલ્લાના ૬ જેટલા સબ સ્ટેશનોમાં દોઢ કલાક સુધી વિજ પુરવઠો બંધ કરીને સફળતાપૂર્વક મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક તેમજ ભરૂચ જીલ્લાના ૨૨૦ કે.વી. અછાલિયા સબ સ્ટેશન વચ્ચે વિજ કંપની દ્વારા સંકલન સાધીને મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી લઇને સાડાબાર વાગ્યા સુધી ભરૂચ – નર્મદા જીલ્લાના ૬ જેટલા ફિડરોમાં વિજ પુરવઠો બંધ કરીને બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતુ.
વિજ કંપનીના કાયદાની જોગવાઇ અનુસાર જેટકો વડોદરાના ગોત્રી ખાતેની મુખ્ય કચેરીના માર્ગદર્શન મુજબ અછાલિયા ગામના સબ સ્ટેશન ખાતે વિજ પ્રવાહન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેરના નેજા હેઠળ વિજ કંપનીની ટીમોની હાજરીમાં ઝઘડીયા તાલુકાના ૨૨૦ કે.વી. અછાલિયા તેમજ તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક વચ્ચે સંકલન સાધી ડી.જી.વી.સી.એલ.તથા જેટકો દ્રારા બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
વિજ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિજ પ્રવાહન વિભાગ તેમજ વિજ ઉત્પાદન વિભાગમાં જ્યારે કોઇ મોટા ટેકનિકલ ફોલ્ટ સર્જાય છે ત્યારે વિજ પુરવઠો કાર્યરત કરવામાં લાંબો સમય વેડફાઇ જાય છે, જેથી આવી કપરી સ્થિતિમાં એકબીજા વિભાગો વચ્ચે સંકલન હોવુ ખુબ જરૂરિયાત ભર્યુ હોઇ, જેના અનુસંધાને આવી મોકડ્રીલ યોજવામાં આવે છે. જેના લઇને ભવિષ્યમાં કોઇ મોટા ફોલ્ટ સર્જાય તો તાકીદે વિજ પુરવઠો કાર્યરત કરવામાં સફળતા મળે. મોકડ્રીલના સમયે ભરૂચ – નર્મદા જીલ્લાના વિજ સબ સ્ટેશનો જેવાકે આમલેથા, પ્રતાપનગર, રાજપારડી, ઓરી, ભચરવાડામાંથી નિકળતા તમામ ફિડરોમાં વિજ પુરવઠો બંધ કરીને મોકડ્રીલ યોજવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ