ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી 4 ને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યાં છે. પોલીસ દ્વારા તેમની પુછપરછ કરાઇ રહી છે. જોકે હજી સુધી આરોપીઓએ આ સમગ્ર સંવેદનશીલ ષડયંત્ર અંગે કાચો ચીઠ્ઠો ખોલ્યો નથી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે. સાથે જ હાલના 9 આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો હાલ વિષય છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.
હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે શબ્બીર બેકરીવાલા અને સમજ બેકરીવાલા મુખ્યસુત્રધાર હોવાનું મનાઇ રહ્યું છે. બેકરીવાલા બંધુઓએ પહેલાં અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યુ હોવાની વિગતો મળી રહી છે. જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું. આમોદના કાંકરિયા ગામે છેલ્લાં ઘણા વર્ષોથી એકલ-દોકલ લોકોનું ધર્માંતરણ કરાવાતું હોવાનું અને છેલ્લાં 5-6 વર્ષથી પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના 7 કે 8 લોકોને ઇકો કારમાં સુરત લઇ જઇ તેમના મુસ્લિમ નામો સાથે આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની વિગતો પણ સામે આવી છે.
હારુન પટેલ : ભરૂચ