અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા તાનાજી રામચંદ્ર કસુડે ઉ.વ.૪૬ ઝઘડિયા જીઆઈડીસીની લ્યુસિડ કોલોઇડ લિમિટેડ નામની કંપનીમાં કામ કરે છે. ગતરોજ આ ઇસમ કંપનીમાં ફરજ પર હતો ત્યારે કામ કરતી વખતે કોઈ અગમ્ય કારણોસર લોખંડના મશીનનો ભાગ માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઇજાગ્રસ્ત તાનાજી કસુડે ને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. હાલમાં આ કામદાર સારવાર હેઠળ છે.
વધુમાં મળતી વિગતો મુજબ એક મહિના અગાઉ તા.૧૧- ૧૦ -૨૧ ના રોજ અંકલેશ્વરના વાલિયા રોડ પરની સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય મનોજકુમાર પટેલ નામના કામદારને પણ ઝઘડીયા જીઆઇડીસીની લ્યુસિડ ક્લોઇડ લિમિટેડ કંપનીમાં કામ કરતી વખતે તેમનો ડાબો હાથ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઔધોગિક વસાહતોમાં કામ કરતા કામદારોને ઇજાઓ થવાની ઘટનાઓ બનતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે. કામદારોની સલામતી બાબતે બધુ અસરકારક નિયમોની આવશ્યકતા જણાઇ રહી છે. કંપનીઓમાં કામ કરતા કામદારો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ કોઇવાર જીવલેણ બનશે ત્યારે એને માટે કોણ જવાબદાર ગણાશે એવા સવાલો ઉઠવા પામ્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ