ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢ જવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કરાડ ઉપરાંત અવિધા અને પોરા ગામના કુલ મળીને ૪૫ જેટલા પદયાત્રીઓ આ પગપાળા સંઘમાં જોડાયા હતા. આ પગપાળા યાત્રા કરાડ ગામેથી નીકળી હતી. આ પગપાળા સંઘ અવિધા ગામે આવતા સામાજિક કાર્યકરો મહેશભાઇ પાટણવાડીયા અને શૈલેષભાઇ પટેલ દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મહેશભાઇ પાટણવાડીયાના જણાવ્યા મુજબ આ પદયાત્રીઓ પુનમના દિવસે પાવાગઢ પહોંચશે.
ગઇકાલે નીકળેલા આ પદયાત્રીઓએ ગત રાત્રી દરમિયાન કરજણ તાલુકાના સીમરી ગામે રાત્રી મુકામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોએથી અવારનવાર ફાગવેલ મીનાવાડા પાવાગઢ જેવા તીર્થધામો માટે પગપાળા યાત્રાઓ યોજવામાં આવતી હોય છે. રસ્તામાં આવતા ગામોએ યાત્રીઓનું સ્વાગત કરવામાં આવતુ હોય છે. સામાન્ય રીતે દિવાળી બાદ શરુ થતા નવા વર્ષ દરમિયાન પગપાળા યાત્રાઓ યોજાતી હોય છે. શિયાળામાં દિવસ દરમિયાન તાપમાન હળવુ હોવાથી ચાલવામાં સુગમતા રહેતી હોઇ મોટાભાગની પગપાળા યાત્રાઓ શિયાળામાં યોજાતી હોય છે. ઝઘડીયા તાલુકાના યુવાનો દ્વારા અવારનવાર યોજાતી પગપાળા યાત્રાઓમાં ભાવિક અને સાહસિક પ્રૌઢ વ્યક્તિઓ પણ જોડાતી હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ