ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભૂમાફિયાઓ સામે આદિવાસીઓની તેમજ ગૌચરની જમીનો હડપ કરવાના ગંભીર આક્ષપો કરતા ચકચાર મચી જવા પામી છે.
ધારાસભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં નવથી દસ લાખ હેકટર જેટલી આદિવાસીઓની જમીન આવેલી છે. જે પૈકી કેટલીક જમીનોને ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. હડપ કરેલી જમીનોનો કબજો આદિવાસીઓને ક્યારે અપાવાશે તેવો સવાલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આદિવાસીઓની જે જમીનો પર ગેરકાયદેસર કબજો થયેલો છે તે તેના મૂળ માલિકોને અપાવવી જોઈએ. જો જમીન પરત અપાવશો તો લોકો તમને મત આપવાના જ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકતા તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ગૌચરની જમીનો ગૌવંશ માટે અનામત રાખવી જોઈએ એના પર અન્ય કોઈ બાંધકામ ન કરવું જોઈએ તેમજ કોઈ ધાર્મિક સ્થળ પણ ન બનવું જોઈએ. દેશમાં તેમજ ગુજરાતમાં જમીનો હડપી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા હતા . પોલીસ એટ્રોસીટીની ફરિયાદ ન લેતી હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ