ભરૂચનાં દેત્રાલ ગામમાં બુધવારે મળેલી ગ્રામ સભામાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ગ્રામસભા દરમિયાન કુવાની સાફ-સફાઈ બાબતે રજૂઆત કરનાર નાગરિકને સરપંચના પતિ અને પુત્રએ માર મારતાં મામલો તાલુકા પોલીસ મથકે પહોચ્યો હતો. સરપંચ દ્વારા પણ આ નાગરિક અને અન્ય ત્રણ લોકો સામે ક્રોસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરીયાદ લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં બુધવારે ગ્રામસભાનું આયોજન થયુ હતું. જેમાં સરપંચ તેમજ તેમનો પરિવાર અને ગામના કેટલાક લોકો સામ સામે આવી ગયા હતાં. ગામના નાગરિક મયુરકાંત પટેલની ફરીયાદ અનુસાર મારી પત્ની ઉપસરપંચ છે અને તે બિમાર હોવાથી ગ્રામસભામાં હું ઉપસ્થિત રહ્યો હતો. કુવાની આજુબાજુ ગંદકી બાબતે મેં 6 મહિના પહેલા ગ્રામસભામાં રજૂઆત કરી હતી. જે ગંદકી એવી ને એવી હોવાથી મેં સરપંચને આ બાબતે પુછતા તેમણે ઉશકેરાઈને બોલવાનું શરૂ કરી દીધુ હતુ કે તમે બધા મારી પાછળ પડી ગયા છો અને મારુ ઘર તોડાવવા માંગો છો. ત્યાર પછી તેના પતિને ફોન કરીને કહેતા તેનો પતિ ગજાનંદ મહંત અને પુત્ર મયંક ગાડી લઈને આવ્યા અને ગામના પાદરમાં હું ઉભો હતો તો મને આવીને મારવા લાગ્યા હતાં. આ અંગે સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
બીજી બાજુ સરપંચ નયનાબેન દ્વારા પણ ક્રોસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. તેમની ફરીયાદ અનુસાર મયુરકાંત પટેલ ગ્રામસભમાં કુવાની સફાઈ કેમ કરાવતા નથી તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો, તેમજ બશીર પટેલ અને અબ્દુલ મન્સુરીએ સરપંચને બહાર લાવીને મારો તે કહ્યુ હતું. જ્યારે નટવર પટેલે સરપંચના ઘર પર પત્થર માર્યા હતાં. આમ પોલીસે સામ સામે ફરીયાદ દાખલ કરી બંને પક્ષ સામે પગલા લીધી હતાં.
સરપંચના પતિ અને પુત્રના મારનો ભોગ બનનાર મયુર પટેલે 15 દિવસ પહેલા જ પોતાના પર હુમલો થવાની દહેશત વ્યક્ત કરી હતી. કારણ કે સરપંચના પતિએ સાર્વજનિક ટ્રસ્ટની જમીન પર હોદ્દાનો દુરઉપયોગ કરી પોતાનું નામ ચઢાવી દીધુ હતુ અને સાર્વજનિક જમીન પર લોન લીધુ હતું. તેમજ જે રામજી મંદિરને ખસેડી ટ્રસ્ટની જમીન પર મોટુ મકાન બાંધી દેતા મયુર પટેલ અને બશીર પટેલે સરપંચ પતિ તેમજ ભરૂચ તાલુકા ભાજપના મહામંત્રી ગજાનંદ મહંત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. જેથી સરપંચ અને તેના પરિવારના સભ્યએ મયુરના ઘરે જઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મયુરે પોતાની પર હુમલો થઈ શકે છે તેવી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, કાલની ઘટના બાદ તેની દહેશત સાચી ઠરી છે.