અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારનો દીકરો પાર્થ પવાર SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. તેને બચાવવા માટે રૂ.16 કરોડના ઈન્જેકશનની જરૂર હતી પરંતુ આજે પાર્થ પવારનું મોત નીપજયું હતું.
મળતી માહિતી મુજબ અંકલેશ્વરનાં ગડખોલ પાટિયા પાસે આવેલ પ્રમુખ પાર્કમાં રહેતા પવાર પરિવારમાં એક માસૂમ બાળકને SMA-1 નામની ગંભીર બીમારી થઈ હતી અને તેને બચાવવા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પરિવાર સંઘર્ષ કરી રહ્યો હતો. પાર્થને SMA સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી. રોજીરોટી માટે અંકલેશ્વર વસેલો પવાર પરિવાર પુત્રનો જીવ બચાવવા રૂ. 16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી કેટલાક સંગઠનો, સમાજ અને લોકોએ તેની મદદ માટે પ્રયત્નો હાથ ધાર્યા હતા. પુત્રને બચાવવા પરિવારે તેમની તમામ મૂડી અને સંપત્તિ ખર્ચી કાઢી હતી તેમ છતાં ઇન્જેક્શન માટે રૂ.16 કરોડ એકત્ર થઈ શકયા ન હતા. જેને ધ્યાને લઇ એકના એક પુત્રને આ બીમારીમાંથી ઉગારી લેવા પરિવારે લોકો પાસે આર્થિક સહાય માટે હાથ લંબાવ્યા હતા. પરિવારજનો, સબંધીઓ, ઓળખીતા સહિતના પાસેથી રૂપિયા એકત્ર કરવા ફંડ રેઝિંગ માટે પ્રયાસો કર્યા હતા પણ રૂ.16 કરોડ ભેગા થઈ શકયા ન હતા અને આજે પાર્થએ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર