Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

Share

પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને નિરામય ગુજરાત અભિયાનનો જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈએ જણાવ્યું હતું કે આજના દોડધામભર્યા વિશ્વમાં બદલાતી જતી જીવનશૈલી અને ખાન-પાનની આદતોનાં કારણે વધુને વધુ લોકો હાઇપર ટેન્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની બિમારી જેવા રોગોનો ભોગ બની રહ્યા છે. મોટા ભાગના લોકોને લાંબા સમય સુધી આ રોગોથી પોતે પીડિત છે કે કેમ તેનો ખ્યાલ પણ આવતો નથી. તેથી ઘણીવાર આવા રોગો ગંભીર અને જાનલેવા બની જાય છે. આ પ્રકારના રોગોનું પ્રાથમિક તબક્કે જ સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં આ નિરામય ગુજરાત કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે તેમ ઉપાધ્યક્ષએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા 30 વર્ષથી વધુ ઉંમરના રાજ્યનાં ત્રણ કરોડ લોકોને લાભ મળવાનો છે તેમજ આ કેમ્પોમાં તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ તેમણે કરી હતી. આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ, કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી પરંતુ ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધી સરકાર સતત પડખે રહેવાની છે ત્યારે જિલ્લાના તમામ નાગરિકો આ અભિયાનમાં જોડાય, આરોગ્ય વિભાગની સ્ક્રિનીંગ સહિતની પ્રવૃતિઓમાં સક્રિય સહયોગ આપે તેમજ નિરામય શહેરા, નિરામય પંચમહાલ અને નિરામય ગુજરાતનાં નિર્માણનાં ધ્યેયને પૂર્ણ કરવામાં સહભાગી થાય તેવી અપીલ શ્રી જેઠાભાઈએ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં અમુક રોગોની દવા- સારવાર કરાવવાના બદલે દોરા-ધાગા પ્રકારના ઈલાજો કરાવવાના અભિગમ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા તેમણે રોગોની સારવાર દવાઓ તેમજ આધુનિક તબીબી પધ્ધતિઓ દ્વારા કરાવવા જણાવ્યું હતું. વ્યક્તિ સ્વયં પોતાના આરોગ્યની ચિંતા કરશે અને આરોગ્ય વિભાગ તેમાં સહભાગી થશે તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. વ્યક્તિ પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો સમગ્રતયા આરોગ્યનું સ્તર સુધરે તેમ શ્રી જેઠાભાઈએ જણાવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ઉત્કૃષ્ઠ સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં શહેરા સીએચસીના મકાનનું ખાતમૂહુર્ત કરવામાં આવશે તેમજ આ જનસુખાકારીને ધ્યાનમાં રાખીને આ સીએચસી ખાતે 30 પથારીની ક્ષમતા વધારીને 50 પથારીની કરવા સરકારે મંજૂરી આપી છે.

કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલે કોરોનાકાળ દરમિયાન સરકારે હાથ ધરેલી કામગીરી તેમજ જનકલ્યાણકારી આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કાર્યક્રમનો ઉદેશ્ય અને તેનાથી થનારા લાભો વિશે જણાવ્યું હતું. સીડીએચઓ ડો. મિનાક્ષીબેન ચૌહાણે કાર્યક્રમની આભારવિધી કરી હતી. ઉપસ્થિત સૌ કોઈએ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને નિરામય કાર્ડ, ડિજિટલ હેલ્થ આઈ.ડી., મા વાત્સલ્ય કાર્ડ, પીએમજેએવાય કાર્ડ તેમજ તબીબો-નર્સીસ, મેડિકલ ઓફિસરો સહિતના કોરોના વોરિયર્સને સુંદર કામગીરી બદલ સન્માનપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે શહેરા ખાતે યોજાયેલ મેગા કેમ્પમાં વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ અને ગોધરાનાં કુલ 15 જેટલા નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો મોટા પ્રમાણમાં નાગરિકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, એડીએચઓ ડો. જે.પી. પરમાર, આરસીએચઓ ડો. પી.કે.શ્રીવાસ્તવ, ડો. બી.કે.પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સેનિટાઇઝરનું બીજી લહેરમાં 30 લાખનું વેચાણ થયું: હવે માત્ર રૂ. 2 લાખનું વેચાણ : લોકોની બેદરકારી વધી .?

ProudOfGujarat

દિલ્હી : વિકાસપુરીના લાલ માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-19 વેકસીન સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!